
પોરબંદરઃ જિલ્લાના દરિયા કિનારે આવેલા માધવપુર ઘેડ એ ઐતિહાસિક નગરી છે. અને અહીં ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ સ્થળે દર વર્ષે પરંપરાગત લોકમેળો યોજાય છે. આ વર્ષે તા. તારીખ 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી યોજાનારા લોકમેળો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળાની વિવિધ વ્યવસ્થાઓ અને આયોજનને આખરી ઓપ આપવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારના માર્ગદર્શન હેઠળ પોરબંદર કલેક્ટર કે.ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓના મુખ્ય અધિકારીઓની બેઠક મળી હતી. અગ્ર સચિવ અશ્વિની કુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોક પરંપરા સાંસ્કૃતિક સમન્વય, આવશ્યક સેવાઓ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આગામી તારીખ 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી લોકમેળો યોજાશે. પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક જોડાણ સાથે માધવપુરની વિરાસત જોડાયેલી છે. બે સંસ્કૃતિને તાતણે બાંધતો આ મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની સાંસ્કૃતિક વિરાસતને પણ ઉજાગર કરે છે. ચાલુ વર્ષે 2024ના લોકમેળામાં મૂળ પરંપરાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત પ્રોટોકોલ જાળવીને વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે. આ વર્ષે પણ ઉત્તરપૂર્વ રાજ્યના કેટલાક ગ્રુપ અને સ્થાનિક કલાકારો માધવપુર અને દ્વારકામાં સ્ટેજ પરફોર્મન્સ આપે તેવું આયોજન થઈ રહ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે માધવપુર અને દ્વારકા ભાવનાત્મક તથા સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોવાથી શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઉજાગર કરતા કાર્યક્રમો માધવપુરમાં યોજાયા બાદ ગયા વર્ષની જેમ વિવાહ પ્રસંગ પૂર્ણ થયા બાદ દ્વારકામાં પણ આયોજન કરાશે. રાજ્યકક્ષાએથી સંબંધિત વિભાગો દ્વારકા અને પોરબંદરના જિલ્લા પ્રશાસન સાથે યાત્રિકોની આવશ્યક સેવાઓના અનુસંધાને સંકલન કરી રહ્યું છે. લોકોને પીવાના પાણી, સ્વચ્છતા, આરોગ્યલક્ષી સુવિધા, અવરજવરમાં અનુકૂળતા, સલામતી સુરક્ષાની સાથોસાથ બંદોબસ્ત, પાર્કિંગ, કોમ્યુનિકેશન સહિતની સગવડતા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવી જ રીતે દ્વારકા જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રશાસન આવશ્યક સુવિધાઓ અંગે સંકલન કરી રહ્યું છે.