1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી
ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી

ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી

0
Social Share

31 માર્ચ, 2024, અમદાવાદ: “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન,” એવા જીવન સૂત્ર સાથે શ્રી ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. જીવનની પ્રતિકૂળતાઓનો મક્કમતાથી સામનો કરવા માટે તેમજ વ્યાપારિક કુશળતા, સિદ્ધાંતવાદી જીવન અને માનવતાવાદી પરોપકાર માટે ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક શ્રી ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (યુ.એન. મહેતા)ને સદાય યાદ કરવામાં આવે છે. તેમનું પ્રારંભિક જીવન બહુવિધ વ્યક્તિગત પડકારો, ગંભીર નાણાકીય કટોકટી, વ્યવસાયિક નિષ્ફળતાઓ અને ગંભીર આરોગ્યની મુશ્કેલીઓથી ઘેરાયેલું રહ્યું હતું.

તેમનો જન્મ અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો અને 2 વર્ષની નાની ઉંમરે તેઓએ માતા ગુમાવી હતી. તેમણે ઘણા સ્વાસ્થ્ય પડકારોનો સામનો કર્યો જેમ કે 39 વર્ષની ઉંમરે તેમને આપવામાં આવેલી દવાની આડઅસરને પરિણામે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદ્ભવી, 53 વર્ષની ઉંમરે કેન્સરના અત્યંત દુર્લભ સ્વરૂપનું નિદાન થયું અને તે મુશ્કેલીઓ ધીરે ધીરે કાર્ડિયાક સમસ્યાઓની શરૂઆત તરફ દોરી ગઈ અને આખરે 62 વર્ષની ઉંમરે હાર્ટની બાયપાસ સર્જરી થઇ. વ્યવસાય સ્થાપવાના તેમના પ્રથમ પ્રયાસમાં તેઓ નિષ્ફળ ગયા, જેને કારણે તેઓને તેમના ગામમાં પાછા ફરવું પડ્યું, જ્યાં ઘણા વર્ષો સુધી તેઓ રહ્યા. તેમણે આ દરેક પડકારો પર વિજય મેળવ્યો અને 48 વર્ષની પીઢ ઉંમરે ફાર્માસ્યુટિકલ બિઝનેસ સ્થાપવાના બીજા પ્રયાસમાં તેઓ સફળ થયા – આમ એક અત્યંત સફળ બિઝનેસની સ્થાપના કરી.

માનસિક અને કાર્ડિયાક સ્વાસ્થ્ય સંદર્ભે જાત અનુભવ હોવાને લીધે તેમના પ્રારંભિક પ્રયાસો માનસિક અને કાર્ડિયાક બિમારીઓ માટે દવાઓ બનાવવા પર કેન્દ્રિત રહ્યા હતા. જેના માટે ભારતમાં દવાઓ સરળતાથી ઉપલબ્ધ ન હતી. તેમનું અદ્ભુત જીવન એવા લોકો માટે આશાનું  કિરણ સમાન છે જેમણે જીવનની બધી આશા ગુમાવી દીધી છે.

એક અત્યંત સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત, શ્રી યુ.એન. મહેતા એક પ્રતિબદ્ધ સામાજિક નાગરિક પણ હતા. તેમના જીવનના ઉત્તરાર્ધમાં, તેમણે UNM ફાઉન્ડેશનની શરૂઆત કરી અને બહુવિધ સામાજિક કર્યો માટેના પ્રયાસો આદર્યા. ટોરેન્ટ ગ્રુપ દ્વારા શનિવાર, 30 માર્ચ, 2024 ના રોજ અમદાવાદ ખાતે તેમની જન્મશતાબ્દીની ઉજવણી રૂપે એક સમારંભ રાખવામાં આવ્યો હતો. જન્મશતાબ્દીની ઉજવણીની મુખ્ય અંશોની ઝાંખી કરીએ તો, શ્રી યુ.એન. મહેતાના જીવન પર બનેલી દસ્તાવેજી ફિલ્મ “ધ પ્રિસ્ક્રિપ્શન”નું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું તેમજ તેમના પરોપકારી વારસાને આગળ ધપાવવા માટે સખાવતી દાનની જાહેરાત કરવામાં આવી.

1લી એપ્રિલ 2024 થી શરૂ કરીને, આગામી 5 વર્ષ દરમિયાન મહેતા પરિવાર દ્વારા UNM ફાઉન્ડેશનને રૂ5,000 કરોડનું દાન કરવામાં આવશે. આ યોગદાન ટોરેન્ટ ગ્રૂપની કંપનીઓના વૈધાનિક CSR યોગદાન ઉપરાંત હશે. ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, “યુએનએમ ફાઉન્ડેશન આ રકમનો વિશિષ્ટ સામાજિક હેતુઓ માટે નિષ્ઠા પૂર્વક સદુપયોગ કરવા માટે પ્રયત્નશીલ રહેશે. આ માટે લાભાર્થીઓ પ્રત્યે કોઈપણ જાતનો જાતિ, ધર્મ, લિંગ અને આર્થિક મર્યાદા જેવા ભેદભાવ રાખવામાં આવશે નહિ.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે UNM ફાઉન્ડેશન પોતાના પ્રયાસો ને આરોગ્ય સંભાળ, શિક્ષણ અને જ્ઞાન વૃદ્ધિ, ઇકોલોજી, સામાજિક સુખાકારી, કલા અને સંસ્કૃતિ અને અન્ય પ્રવૃત્તિઓના ક્ષેત્રો પર કેન્દ્રિત કરશે જેનો મૂળભૂત હેતુ વંચિતોને લાભ આપવાનો રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code