
મધ્યપ્રદેશઃ શ્રમજીવી પરિવારની દીકરીની ઈમાનદારી, સાત લાખના દાગીના ભરેલી બેગ માલિકને પરત સોંપી
ભોપાલઃ રાયસેન જિલ્લામાં શ્રમજીવી પરિવારની 13 વર્ષની દીકરી સ્કૂલેથી પરત ફરી રહી હતી ત્યારે તેને સોનાના દાગીના ભરેલી બેગ મળી આવી હતી. આ અંગે ઘરે જઈને તેને પરિવારજનોને જાણ કરી હતી. જેથી દીકરી અને તેના પિતા સોનાના દાગીના ભરેલી બેગ લઈને સીધા પોલીસ સ્ટેશન ગયા હતા. જેથી પોલીસે દાગીનાના અસલ માલિકને શોધીને દાગીના પરત કર્યાં હતા. રૂ. સાત લાખથી વધુની કિંમતના દાગીના ભરેલી બેગે પરત કરીને શ્રમજીવી પરિવારએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. 13 વર્ષની દીકરી રિનાના પિતા મંગલસિંહ પરિહાર રૂ. 200માં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દાગીનાના માલિકે રીનાને 51 હજાર રૂપિયાનું ઇનામ આપી તેનું બહુમાન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રીના સરકારી શાળામાં ધો-6માં અભ્યાસ કરે છે. દરરોજની જેમ તે શાળાએથી ઘરે પરત ફરી રહી હતી. ઘરે પરત ફરતી વખતે રીનાને એક બેગ પડી ગયેલી મળી હતી. રીના થોડીવાર ત્યાં બેગ લઈને ઉભી રહી હતી. તેને આશા હતી કે મહિલા કદાચ બેગ લેવા પાછી આવશે. રીના રાહ જોતી રહી પણ બેગ લેવા કોઈ આવ્યું નહિ. જે બાદ તે બેગ લઈને ઘરે ગઈ હતી. રીનાએ બેગમાં જોયું હતું કે તેમાં દાગીના હતા. આ અંગે દીકરીને પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો સોનાના દાગીના લઈને પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં રીનાને સોનાના દાગીના ભરેલી બેગ મળી હોવાની જાણ કરતા પોલીસે પણ દાગીનાના માલિકને શોધવાની કવાયત શરૂ કરી હતી.
રાયસેન જિલ્લાના ઉદયપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. 20 ફેબ્રુઆરીના રોજ કાકરૂઆના રહેવાસી યશપાલસિંહ પટેલની પુત્રીની સોનાના દાગીના ભરેલી બેગ પડી હતી. પરિવારે આ અંગે ઉદયપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. તે જ સમયે પોલીસ અને પરિવાર તે બેગને શોધી રહ્યા હતા. આ સાથે વોટ્સએપ પર બેગ સંબંધિત માહિતી પણ મોકલવામાં આવી હતી. દાગીનાના માલિક અને પોલીસ અધિકારી-કર્મચારીઓએ પણ રિના અને તેના પરિવારની પ્રામાણિકતાના પણ વખાણ કર્યા હતા. તેમજ દીકરીને રૂ. 51 હજાર આપીને તેનુ બહુમાન કરવામાં આવ્યું હતું. જ્યારે ઉદયપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે પણ રીનાને રૂ. 11 હજાર પુરસ્કાર તરીકે આપીને તેનુ સન્માન કર્યું હતું.