
મહારાષ્ટ્રઃ લોકઅપનું તાળુ અને સળિયા તોડ્યા વિના આરોપી થયો ફરાર, પોલીસ પણ ચોંકી ઉઠી
મુંબઈઃ મહારાષ્ટ્રના પુણેમાં એક ચોર લોકઅપમાંથી ગાયબ થવાની ચર્ચાઓ વહેતી થઈ છે. લોકઅપમાં બંધ આરોપી તાળુ અને જેલના સળિયા તોડ્યા વિના ફરાર થઈ જાય છે. પુણેની જેલમાંથી એક આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી જેલના તાળા અને સળિયા તોડ્યા વિના ફરાર થઈ જતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તેમજ તેણે જેલમાંથી ભાગવાની રીત બતાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પુણે-નાસિક હાઈવે પર એક પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી એક આરોપી ગાયબ થઈ ગયો હતો. લોકઅપનું તાળુ બંધ હતું તેમજ જેલના સળિયા પણ સલામત હતા. તેમ છતા ચોર ફરાર થઈ જતા પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. તેમજ ચોર કેવી રીતે ભાગ્યો તે અંગે વિચારણા કરતા થઈ ગયા હતા. દરમિયાન પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. તેમજ આરોપીને ઝડપી લીધો હતો. જો કે, પોલીસ અધિકારીઓને આરોપી સામે આકરી કાર્યવાહી કરવાને બદલે તે લોકઅપમાંથી કેવી રીતે ફરાર થઈ ગયો હતો તે જાણવામાં રસ હતો. દરમિયાન ચોરીના કેસમાં ઝડપાયેલા શખ્સે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ લોકઅપમાંથી બહાર નીકળવાની ટેકનીક દર્શાવી હતી. આ દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. લોકઅપમાંથી કેદી કેવી રીતે ફરાર થયો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.