
મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ
- કોરોનાની બીજી લહેર પ્રારંભિક તબક્કામાં
- ઉદ્ધવ સરકારે સ્વીકાર્યું –આ સેકેંડ વેવ છે
મુંબઈ: મહારાષ્ટ્રમાં સતત કોરોનાના હજારો નવા કેસ સામે આવી રહ્યા છે.અને નાગપુરમાં લોકડાઉન છે.જયારે અન્ય ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ અને અન્ય પ્રતિબંધોનું એલાન કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના સંક્રમણના નવા 17,864 કેસ નોંધાયા હતા. એક દિવસમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ,ઉદ્ધવ સરકારે સ્વીકાર્યું કે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ‘બીજી લહેરે’વાપસી કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર પ્રારંભિક તબક્કામાં છે. અને રાજ્ય સરકારે વધુ જાગૃત રહેવાની જરૂર છે.
મહારાષ્ટ્રમાં મંગળવાર સુધી કોરોનાના કુલ 23,47,328 કેસ નોંધાયા હતા, જ્યારે સક્રિય કેસની સંખ્યા 1,38,813 છે. સોમવારે,એકલા મુંબઈમાં 1922 નવા કેસ નોંધાયા હતા. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 87 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ 2.26 ટકા પર પહોંચી ગયું છે,જે હાલમાં દેશમાં સૌથી વધુ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે, રાજ્ય સરકારે ચેપગ્રસ્ત લોકોની શોધખોળ અને રસીકરણ ઝડપી બનાવવાની જરૂર છે,અત્યારે કરવામાં આવી રહેલા પ્રયાસો પૂરતા સાબિત થઇ રહ્યા નથી. રાજ્યના લોકો કોરોના માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યાં નથી અને જાહેર સ્થળોએ તેને સખત રીતે લાગુ કરવાની જરૂર છે. હાલમાં,રાજ્યમાં 6,52,531 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં અને 6,067 લોકો સંસ્થાગત ક્વોરેન્ટાઇનમાં છે.