Homeગુજરાતીદેશ-વિદેશકેન્સરની દવાઓ પર મળશે મોટી રાહત: ટ્રેડ માર્જિન પર લાગશે મર્યાદા

કેન્સરની દવાઓ પર મળશે મોટી રાહત: ટ્રેડ માર્જિન પર લાગશે મર્યાદા

નવી દિલ્હી, 12 ઓક્ટોબર 2026: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજુઆત કરી હતી કે, કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ પર અતિશય નફાખોરી અને ઊંચા માર્જિનને રોકવા માટે સરકારે તેમના ટ્રેડ માર્જિનને નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ એવી કેન્સર વિરોધી દવાઓની યાદી બહાર પાડશે, જેના પર 30 ટકા ટ્રેડ માર્જિનની મર્યાદા (કેપ) લાગુ કરવામાં આવશે.

સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બજારની વર્તમાન સ્થિતિ અને જાહેર આરોગ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આ યાદી સમયાંતરે અપડેટ કરવામાં આવશે, જેમાં જરૂરિયાત મુજબ નવી દવાઓ ઉમેરવામાં આવશે જ્યારે પહેલેથી જ સસ્તી ઉપલબ્ધ દવાઓને આ નિયંત્રણમાંથી મુક્ત રાખવામાં આવશે. આ મામલાની સુનાવણી કરી રહેલી જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે દવાઓની કિંમતોની વ્યાપક તપાસ પર ભાર મૂક્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ પ્રક્રિયા માત્ર કેન્સર-રોધી દવાઓ સુધી જ સીમિત ન રહેવી જોઈએ, પરંતુ સમગ્ર ફાર્માસ્યુટિકલ બજાર અને નોન-શ્રેડ્યુઅલ્ડ દવાઓ પર લાગુ થવી જોઈએ. કોર્ટે કેટલાક ઉદાહરણો ટાંકીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કેટલીક દવાઓની વેચાણ કિંમત તેના ઉત્પાદન ખર્ચ કરતા 400 ગણી વધુ કેમ રાખવામાં આવે છે?

  • આગામી સુનાવણી 27 ઓક્ટોબરે

સુપ્રીમ કોર્ટે નોન-શ્રેડ્યુઅલ્ડ દવાઓની પ્રારંભિક કિંમતોને નિયંત્રિત કરવા અને મેડિકલ ડિવાઇસિસની કિંમતો પર મર્યાદા નક્કી કરવાની માગ કરતી અરજી પર હવે આગામી સુનાવણી 27 ઓક્ટોબરના રોજ હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ નવા પ્રસ્તાવના અમલીકરણથી ગ્રાહકોની દવા પાછળની પડતર કિંમતમાં ૨૦થી ૭૦ ટકા સુધીનો ઘટાડો થવાની અને દેશભરના ઉપભોક્તાઓને વાર્ષિક અંદાજે રૂ. 2500 કરોડની મોટી બચત થવાની અપેક્ષા છે. સરકારના આ પગલાથી કેન્સર જેવી ખર્ચાળ બિમારીઓની સારવાર વધુ સુલભ અને કિફાયતી બનશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular