નવી દિલ્હી, 12 ઓક્ટોબર 2026: ભારતીય અર્થવ્યવસ્થા અને મોંઘવારીને લઈને સિસ્ટમેટિક્સની એક તાજેતરની રિપોર્ટમાં ગંભીર ચેતવણી આપવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક મોંઘવારીના જોખમોને ઓછી ગણી રહી છે અને આગામી ત્રિમાસિક ગાળામાં દેશમાં મોંઘવારી દર વધીને 6 થી 7 ટકા સુધી પહોંચી શકે છે. તેને નિયંત્રણમાં લાવવા માટે આરબીઆઈએ વ્યાજ દરોમાં હજુ વધુ વધારો કરવો પડી શકે છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સેન્ટ્રલ બેંકના મોંઘવારીના અનુમાનો ઇનપુટ કોસ્ટમાં વધારો, પરિવારોની વધતી મોંઘવારી અપેક્ષાઓ અને વ્યાપક બજાર દબાણો સાથે જોડાયેલા જોખમોને યોગ્ય રીતે આંકવામાં નિષ્ફળ રહ્યા છે. સપ્ટેમ્બર 2026માં આરબીઆઈના સર્વેક્ષણ મુજબ પરિવારોની મોંઘવારી અપેક્ષાઓ સરેરાશ 9.1 ટકા રહી છે, જે મુખ્ય મોંઘવારી દર કરતા ઘણી વધારે છે અને સતત વધી રહી છે. આ ઉપરાંત, આરબીઆઈનું મોંઘવારી ડિફ્યુઝન ઇન્ડેક્સ પણ દર્શાવે છે કે કિંમતોનું દબાણ હવે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક બની રહ્યું છે.
ભારતીય ઉત્પાદક કંપનીઓ પર ખર્ચનું દબાણ સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 27 ની પ્રથમ ત્રિમાસિકમાં બિન-નાણાકીય કંપનીઓની ઇનપુટ કિંમતમાં વાર્ષિક ધોરણે આશરે 40 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે આ જ સમયગાળામાં ક્રૂડ ઓઇલના ભાવમાં 45 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીઓના ગ્રોસ માર્જિનમાં 650 થી 800 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે અને તેઓ ખર્ચ વધારાનો માત્ર નાનો હિસ્સો જ ગ્રાહકો સુધી પહોંચાડી શકી છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ખાદ્ય પદાર્થો, ઉર્જા અને ખાતર પરની સરકારી સબસિડીઓએ પશ્ચિમ એશિયાના સંઘર્ષની અસરને હળવી કરી હતી, પરંતુ આ સહાય ઘટતાં આગામી દિવસોમાં મોંઘવારી વધુ ઝડપી બની શકે છે.
-
શું રેપો રેટમાં હજુ વધારો થશે?
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરીને તેને 5.50 ટકા કરવામાં આવ્યો છે, જે નવા દર-વૃદ્ધિ ચક્રની શરૂઆત છે. જોકે, આ વધારો મોંઘવારી રોકવા માટે પૂરતો ન પણ હોઈ શકે, ખાસ કરીને ત્યારે જ્યારે ઊંચી મોંઘવારી અપેક્ષાઓ સામે વાસ્તવિક વ્યાજ દરો હજુ પણ નકારાત્મક બનેલા છે. ઓછામાં ઓછો 1 ટકાનો વાસ્તવિક દર પુનઃ સ્થાપિત કરવા માટે રેપો રેટને 6.5 થી 7 ટકા સુધી, એટલે કે હાલના 5.5 ટકાથી 100 થી 150 બેસિસ પોઈન્ટ ઉપર લઈ જવા પડી શકે છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 27 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 6.7 ટકાથી વધારીને 7.1 ટકા કર્યો છે, કારણ કે પ્રથમ ત્રિમાસિકમાં વૃદ્ધિ અપેક્ષા કરતા વધુ 7.8 ટકા રહી હતી. સાથે જ ત્રીજી ત્રિમાસિકમાં મોંઘવારી 6 ટકા સુધી પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સિસ્ટમેટિક્સની ચેતવણી મુજબ, સતત મોંઘવારી દબાણ અને કડક નાણાકીય નીતિઓથી ફાઇનાન્શિયલ માર્કેટ માટે બેવડી મુશ્કેલી સર્જાઈ શકે છે. ઊંચા વ્યાજ દરો ઇક્વિટી વેલ્યુએશન પર દબાણ વધારશે, જ્યારે 10-વર્ષીય સરકારી બોન્ડ યીલ્ડ 7.5 ટકાથી ઉપર જઈ શકે છે.


