ઘરે બનાવો બહાર જેવા જ ક્રિસ્પી અને ટેસ્ટી મશરૂમ આલુ ચાપ, જાણો રેસીપી
જો તમે સાંજના નાસ્તામાં કંઈક નવું અને ચટપટું ખાવાના શોખીન હોવ, તો ‘મશરૂમ આલુ ચાપ’ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય રીતે આપણે બટાકાની ટિક્કી કે કટલેસ ખાતા હોઈએ છીએ, પરંતુ આ વાનગીમાં બાફેલા બટાકાના પડની અંદર મસાલેદાર મશરૂમનું સ્ટફિંગ ભરવામાં આવે છે, જે તેને એક યુનિક સ્વાદ આપે છે. બહારથી એકદમ કુરકુરા અને અંદરથી સોફ્ટ આ ચાપ બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પસંદ આવશે.
-
સામગ્રી
મધ્યમ કદના બાફેલા ચાર બટાકા, એક કપ ઝીણા સમારેલા મશરૂમ, ઝીણી સમારેલી એક ડુંગળી, બે મરચા, નાની ચમતી આદુ-લસણની પેસ્ટ, અડધી ચમચી હળદર, અડધી ચમતી લાલ મરચુ, અડધી ચમચી ગરમ મસાલો, એક કપ ભૂકો કરેલ બ્રેડ ક્રમ્બ્સ, બે મોટી ચમતી કોર્નફ્લોર, તળવા માટે તેલ અને સ્વાદ અનુસાર મીઠું
-
બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં જીણું સમારેલી ડુંગળી, લીલા મરચાં અને આદુ-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. હવે તેમાં સમારેલા મશરૂમ ઉમેરો અને તેનું પાણી બળી જાય ત્યાં સુધી ચઢવા દો. ત્યારબાદ હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. છેલ્લે લીલી કોથમીર ભભરાવી આ મિશ્રણને ઠંડુ થવા દો. બાફેલા બટાકાને છોલીને બરાબર મેશ કરી લો. તેમાં સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરીને તેને લોટની જેમ તૈયાર કરી લો. હવે બટાકાના મિશ્રણમાંથી નાની લુઈ લો અને તેને હથેળીમાં ફેલાવી વચ્ચે મશરૂમનું સ્ટફિંગ ભરો.
તેને બધી બાજુથી બંધ કરીને ટિક્કી અથવા ગોળાકાર (ચાપ) જેવો આકાર આપો. એક વાટકીમાં કોર્નફ્લોર અને પાણીનું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. તૈયાર કરેલા ચાપને પહેલા કોર્નફ્લોરના મિશ્રણમાં ડુબાડો અને ત્યારબાદ તેને બ્રેડ ક્રમ્બ્સમાં બરાબર લપેટો. હવે કડાઈમાં તેલ ગરમ કરી, આ ચાપને સોનેરી અને કુરકુરા થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. ગરમાગરમ મશરૂમ આલુ ચાપને તમે ફુદીનાની લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. વરસાદી માહોલ કે ચાની ચુસ્કી સાથે આ નાસ્તો બેસ્ટ કોમ્બિનેશન ગણાય છે.


