ઘરે બનાવો હોટલ જેવી ક્રિસ્પી આલુ મસાલા પૂરી, નોંધી લો સરળ રેસીપી
કોઈપણ તહેવાર હોય કે ખાસ પ્રસંગ, જો જમવામાં ગરમાગરમ અને સ્વાદિષ્ટ પૂરી મળી જાય તો મજા પડી જાય છે. સામાન્ય રીતે આપણે સાદી પૂરી બનાવતા હોઈએ છીએ, પરંતુ જો તમે કંઈક નવું અને ચટાકેદાર ટ્રાય કરવા માંગતા હોવ, તો ‘આલુ મસાલા પૂરી‘ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પૂરી બનાવવામાં જેટલી સરળ છે, ખાવામાં તેટલી જ ટેસ્ટી લાગે છે. તેને જોતા જ ખાનારા લોકો તમારા વખાણ કરતા થાકશે નહીં. આવો જાણીએ, ઘરની સામગ્રીમાંથી જ કેવી રીતે બનાવશો આ ટેસ્ટી આલુ મસાલા પૂરી….
- સામગ્રી
ઘઉંનો લોટ: 2 કપ
બાફેલા બટાકા: 2 (મેશ કરેલા)
લીલા મરચાં: 1 (ઝીણું સમારેલું)
આદુ: 1 નાની ચમચી (છીણેલું)
લાલ મરચું પાવડર: અડધી ચમચી
હળદર: અડધી ચમચી
ગરમ મસાલો: અડધી ચમચી
અજમો: અડધી ચમચી
લીલા ધાણા: 1 મોટી ચમચી (ઝીણા સમારેલા)
મીઠું: સ્વાદ મુજબ
તેલ: મોણ માટે અને તળવા માટે
- બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં 2 કપ ઘઉંનો લોટ લો. તેમાં મેશ કરેલા બાફેલા બટાકા ઉમેરો. હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, છીણેલું આદુ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, અજમો, સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા ઉમેરો. બધી સામગ્રીને હાથથી બરાબર મિક્સ કરી લો જેથી બટાકા અને મસાલા લોટમાં એકરસ થઈ જાય. ત્યારબાદ તેમાં 1 ચમચી તેલનું મોણ નાખો. હવે જરૂર મુજબ થોડું-થડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો. લોટ બંધાઈ ગયા પછી તેને 10-15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો. ત્યારબાદ લોટના નાના-નાના લુઆ બનાવી લો અને વેલણની મદદથી પૂરી વણી લો. યાદ રાખો કે આ પૂરી થોડી જાડી વણવી. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં પૂરી નાખીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે તમારી ગરમાગરમ અને મસાલેદાર આલુ પૂરી! તેને તમે દહીં, અથાણું, લીલી ચટણી અથવા બટાકાના રસાવાળા શાક સાથે સર્વ કરી શકો છો.
આ પણ વાંચોઃ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનની આંખોની રોશની ઘટી


