
પોરબંદર : રાજ્યના તમામ માર્કેટયાર્ડ્સમાં હાલ રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. આ વખતે ખેડુતોને રવિ પાકના સારા ભાવ મળી રહ્યા છે. જેમાં કપાસના ભાવના ખૂબ સારા મળતા હોવાથી ખેડુતો ખૂશખૂશાલ છે. તો બીજી બાજુ કપાસના ભાવ વધવાને લીધે કપાસિયા અને ખોળના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. તેથી પશુપાલકોની હાલત કફોડી બની છે. ત્યારે સરકારે પશુપાલકોને રાહત આપવી જોઈએ. પોરબંદરમાં પશુપાલકોએ કપાસિયા અને ખોળના ભાવમાં તોતિંગ વધારાનો વિરોધ કરતા કોંગ્રેસે પણ પશુપાલકોની લડતને ટેકો આપીને આંદોલન કરવાની ચીમકી આપી છે.
ખોળ-કપાસિયાના વધતા ભાવો કાબૂમાં નહીં લેવાય તો પોરબંદરમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી અપાઈ છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે પશુ પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી સમાજ છેલ્લા કેટલાય દિવસથી તંત્રની બેદરકારીને કારણે ખૂબ જ હેરાન-પરેશાન છે.
પોરબંદર જિલ્લાના માલધારી સમાજ વર્ષોથી ગાયો ભેસોનો વ્યવસાય કરતા હોય અને રાત ને દિવસ મહેનત કરીને તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે અને હાલમાં છેલ્લાં બે વર્ષથી ખોળ કપાસિયાના ભાવ 1000થી વધીને રૂપિયા 1800થી 2000નો ભાવ વધારો થઈ ગયો છે. તેથી માલધારીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને અગાઉ પણ પશુપાલકોએ રજુઆત કરી હતી. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાણાવાવ મામલતદાર કચેરી પાસે અગાઉ ઉપવાસ આંદોલન કર્યું હતું ત્યારે તેનો પડઘો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો અને સરકારી અધિકારીઓએ જિલ્લા પ્રમુખને ઘાસચારા વિશે ચર્ચા વિચારણા કરવા માટે બોલાવ્યા હતા અને જિલ્લા પ્રમુખે તેમને ઉગ્ર રજૂઆત કરી હતી અને ભાવ કાયમ માટે નિયંત્રણ રહે તેવી માગણી કરી હતી અને સરકાર જો નહીં જાગે તો વધુ ઉગ્ર આંદોલન કરવું પડે તેના માટેની પણ તૈયારી કરી હતી. હવે ફરીવાર ખોળ-કપાસિયાના ભાવમાં તેતિંગ વધારો થતા કોંગ્રેસ આંદોલનની ચીમકી આપી છે.