
અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં ખાનગી હોસ્પિટલના સંચાલકો અને તબીબોને ધીકતી કમાણી થઈ રહી છે. ઘણી હોસ્પિટલોએ તો સારવારના પેકેજ નક્કી કર્યા છે. હોસ્પિટલના સંચાલક તબીબો દર્દીઓની ગરજના લાભ ઉઠાવી રહ્યાની ફરિયાદો પણ ઉઠી છે. ત્યારે બીજીબાજુ ઈન્કમટેક્સના અધિકારીઓ ખાનગી હોસ્પિટલના સંચાલકો અને તબીબો પર નજર રાખી રહ્યા છે. એટલું જ નહીં આઈટીના અધિકારીઓ દર્દી બનીને ખાનગી હોસ્પિટલ જઈને કેટલા બેડની વ્યવસ્થા છે, અને કેટલુ પેકેજ છે તેની માહિતી મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો પર હવે આઈટી વિભાગે નજર રાખવાનું શરૂ કર્યું છે. ઇન્કમટેક્સ અધિકારીઓએ દર્દી બની હોસ્પિટલની મુલાકાત લઈને કેટલી ફી લેવામાં આવે છે તેની માહિતી લઈ રહ્યાં છે. ડિપાર્ટમેન્ટને જુદી જુદી ફરિયાદો મળી હતી કે, કેટલીક હોસ્પિટલોમાં ઓનલાઇન પેમેન્ટને બદલે રોકડમાં પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા નિયત કરતાં વધારે ચાર્જ લેવાઈ રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓને લીધેલા ચાર્જની પહોંચ પણ અપાતી નથી. હોસ્પિટલો વધારે ચાર્જ લેવા માટે વધારાના ટેસ્ટ કરાવી રહી છે. ઇન્સ્યોરન્સમાં કેશલેસ પોલિસી હોવા છતાં પણ હોસ્પિટલો દર્દીઓ પાસેથી વધારે પૈસા લઈ રહી છે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આ બાબતોને ધ્યાનમાં લઈ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી કેસની પહોંચ, તેમના ઓનલાઇન બેંક સ્ટેટમેન્ટ, હોસ્પિટલ દ્વારા ભરાયેલા એડવાન્સ ટેક્સને સરખાવવાનું શરૂ કર્યું છે. ઇન્કમટેક્સના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ રોકડમાં ફી કે ચાર્જ લે તો તેના પર 100 ટકા દંડની જોગવાઈ છે. આમ ડોક્ટર અને હોસ્પિટલો ઇન્કમટેક્સની રડારમાં આવી ગયા છે અને તેમના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે તથા દર્દીઓએ કરેલા વીડિયો રેકોર્ડિંગ પણ એકત્રિત કરાઈ રહ્યાં છે.