
PM મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યાની માઓવાદી પ્રશાંત બોસની કબુલાત
દિલ્હીઃ ઝારખંડ પોલીસના હાથ ઝડપાયેલા માઓવાદી પ્રશાંત બોસએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. પ્રશાંત બોસ ઉપર એક કરોડનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેણે પોલીસ સમક્ષ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. તેમજ છત્તીસગઠના ઝીરમ ઘાટીમાં હુમલાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું.
ઝારખંડના ડીજીપી નીરજ સિંહાએ જણાવ્યું હતું કે, પ્રશાંત બોસની પૂછપરછમાં અનેક ખુલાસા થયાં છે. આરોપી ભાકપા માઓવાદી સંગઠનના જનકની ભૂમિકામાં છે. પાંચ દાયકાથી સક્રિયતાને કારણે બોસ ઉપર ઝારખંડ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિતના જિલ્લાઓમાં કેસ નોંધાયાં હતા.
પ્રશાંતના ઈશારા ઉપર જ મોટા હુમલાને અંજામ આપવામાં આવતા હતા. ઝારખંડમાં જ પ્રશાંતની સામે 50 જ્ટારે તેની પત્ની શીલા મરાંડી સામે 18 જેટલા ગુના નોંધાયેલા છે. બિહાર અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં તેમની સામે નોંધાયેલી ફરિયાદની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. જેનો માસ્ટમાઈન્ડ પ્રશાંત જ હતો. આ ઉપરાંત છત્તીસગઢમાં 30 જેટલા કોંગ્રેસના નેતાઓની હત્યામાં પણ તેની સંડોવણી સામે આવી છે. પૂણેમાં ભીમા કોરેગાંવ હિંસા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરુ ઘડવામાં પ્રશાંત બોસની ભૂમિકા હતી.
એનઆઈએની ચાર્જશીટમાં પણ બોસના નામનો ઉલ્લેખ કરાયો હતો. એનઆઈએ પ્રશાંતની કસ્ટડી મેળવીને પૂછપરછ કરે તેવી શકયતા છે. પોલીસની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત તેજ બનાવી છે.