
પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરી સક્રીયઃ પુરૂલિયા જિલ્લામાં અનેક જગ્યાએ લાગ્યાં પોસ્ટર
દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદ ઉપર નક્સલવાદ અને માઓવાદીઓની ગેરકાયદે પ્રવૃતિઓનો પણ સામનો કરી રહ્યું છે. આ પ્રવૃતિઓ અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરીથી સક્રીય થયા હોવાનું જાણવા મળે છે. પુરૂલિયા જિલ્લાના કેટલાક વિસ્તારમાં માઓવાદીઓના નામથી પોસ્ટર લગાવવામાં આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પુરૂલિયા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં માઓવાદીઓના નામથી લાગેલા પોસ્ટર મળી આવ્યા છે. લાલ સહીથી લખાયેલા પોસ્ટરોમાં સરકારી અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને સાથે સાથે સીએમ મમતા બેનરજીના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી રાજનામુ આપે નહીંતર તમારો કોઈ કાર્યકર કે નેતા તમારો જીવ બચાવી નહીં શકે તેવી ધમકી પણ પોસ્ટર મારફતે આપવામાં આવી છે. અન્ય એક પોસ્ટરમાં કહેવામાં આવ્યુ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના કાળા કાયદા હટાવવામાં આવે. દેશમાં માઓવાદી શાસન સ્થાપવા માટે લોકો એક થાય.
પુરૂલિયા જિલ્લામાં અનેક જગ્યાઓ ઉપર માઓવાદીઓના નામના પોસ્ટ મળી આવતા પોલીસ અધિકારીઓ સાબદા બન્યાં છે. તેમજ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોસ્ટરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ માઓવાદીઓના નામે પોસ્ટરના પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે.