1. Home
  2. ગુજરાતી
  3. ન્યૂયોર્કના લા ગાર્ડિયા એરપોર્ટ પર વિમાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર: ફ્લાઈટ્સ સેવા ખોરવાઈ
ન્યૂયોર્કના લા ગાર્ડિયા એરપોર્ટ પર વિમાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર: ફ્લાઈટ્સ સેવા ખોરવાઈ

ન્યૂયોર્કના લા ગાર્ડિયા એરપોર્ટ પર વિમાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર: ફ્લાઈટ્સ સેવા ખોરવાઈ

0
Social Share

ન્યૂયોર્ક, 23 માર્ચ, 2026: અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત લા ગાર્ડિયા એરપોર્ટ પર સોમવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એર કેનેડા એક્સપ્રેસનું એક વિમાન રનવે નજીક ઉભેલા એક ટ્રક સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં સવાર અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતને પગલે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

મીડિયા અહેવાલ મુજબ, યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ નોટિસ જારી કરીને જણાવ્યું છે કે, એર કેનેડા એક્સપ્રેસનું વિમાન એરપોર્ટ પર ઉભેલા અગ્નિશામક દળના વાહન (ફાયર ટ્રક) સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે વિમાનનો આગળનો ભાગ (નોઝ) ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

દુર્ઘટના બાદ સુરક્ષાના કારણોસર લા ગાર્ડિયા એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ માટે ‘ગ્રાઉન્ડ સ્ટોપ’ જાહેર કરવામાં આવ્યો હતો. કોઈ પણ વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. જે વિમાનો લેન્ડ થવાના હતા તેમને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.

લા ગાર્ડિયા એરપોર્ટ હંમેશા પાયલોટો માટે ઘણું પડકારજનક રહ્યું છે. આ એરપોર્ટ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું છે અને તેના રનવેની લંબાઈ પણ અન્ય એરપોર્ટની સરખામણીએ ટૂંકી છે. આ જ કારણે અહીં લેન્ડિંગ અને ટેક-ઓફ વખતે અત્યંત સાવધાની રાખવી પડે છે.

આ એરપોર્ટ પર અકસ્માતનો ઇતિહાસ જૂનો છે. ઓક્ટોબર 2025માં ટેક્સી-વે પર ડેલ્ટા એરલાઇન્સના બે વિમાનો આપસમાં અથડાયા હતા, જેમાં એક વિમાનની પાંખ બીજાના કોકપિટમાં ઘૂસી ગઈ હતી. આવી જ રીતે ઓક્ટોબર 2016માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માઈક પેન્સનું વિમાન રનવે પરથી લપસીને ઘાસમાં ઉતરી ગયું હતું.

સોશિયલ મીડિયા પર આ અકસ્માતની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિમાનની હાલત જોઈને અકસ્માતની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે. સત્તાવાળાઓ હાલ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ પરંપરાગત ગીતો અને પ્રેમકથા વગર પણ ધુરંધર-2 સુપરહિટ! બદલાતા સિનેમાની નવી દિશા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code