
સુરતના મેયર કહે છે, શહેરના કૂતરાઓમાં ડાયાબીટિસનું પ્રમાણ વધાતા લોકોને કરડી રહ્યા છે
સુરતઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ દુર થયો નથી ત્યાં રખડતા કૂતરાનો પણ ત્રાસ વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા 40 દિવસમાં શ્વાનના હુમલાના 3 બનાવ બન્યા છે. જેમાંથી બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ હવે આ વખતે બનેલી ઘટના બાદ શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ એક ચોંકાવનારી વાત કહી હતી. મેયરે શ્વાન આક્રામક બનવા પાછળનું કારણ શ્વાનમાં ડાયાબિટિસનું પ્રમાણ વધતું હોવાનું જણાવ્યું હતું. આ અંગે પશુ ચિકિત્સક દ્વારા પણ મહત્વની વાત કરવામાં આવી હતી. સુરત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શ્વાન હુમલાના કિસ્સા બને ત્યારે ખસીકરણની વાત કરવામાં આવે છે. હવે એવો દાવો કરવામાં આવ્યો છે, કે, કૂતરામાં ડાયાબિટિસ વધવાને કારણે કૂતરા આક્રમક બની રહ્યા છે. અને તેથી લોકોને બચકા ભરે છે. છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનના હુમલાઓમાં વધારો થયો છે. ત્યારે છેલ્લા 40 દિવસમાં જ શ્વાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે.
સુરત શહેરમાં શ્વાન હુમલાની ઘટના અંગે શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું. કે, પશુ ડૉક્ટરોની સાથે બેઠક કરીને શ્વાનના હુમલાની વધતી ઘટના અંગે વાત કરવામાં આવી હતી, જેમાં પશુ ડૉક્ટરોએ જણાવ્યું છે કે કૂતરામાં ડાયાબિટિસનું પ્રમાણ વધ્યું છે, આ સિવાય ઘણાં કારણો જાણવા મળ્યા કે જેના કારણે તે બાળકો પર હુમલા કરે છે. જ્યારે શહેરીજનો એવું કહી રહ્યા છે. કે, શહેરમાં રખડતા કૂતરાના ભયને ઓછો કરવા માટે મહાનગર પાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે આમ છતાં શહેરની હોસ્પિટલમાં ડોગ બાઈટ બાદ આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બાળકોએ શ્વાનના ભયાનક હુમલાના કારણે જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. શહેરમાં રખડતા કૂતરાનો આતંક ઓછો કરવામાં આ માટે તંત્ર નિષ્ફળ સાબિત થયુ છે.
શહેરના એક પશુ ચિકિત્કસના જણાવ્યા મુજબ શ્વાનમાં ગ્લુકોઝનું લેવલ ઊંચું જવાના કિસ્સા વધી રહ્યા છે, શ્વાનને બિસ્કિટ, શીરો જેવી વસ્તુઓ શ્વાનને ખવડાવવામાં આવતી હોય છે, જેના કારણે તેમના શરીરમાં ગ્લુકોઝનું લેવલ વધે છે અને જેથી તેમનામાં ડાયાબિટિસના કેસ જોવા મળે છે. આ રોગના કારણે શ્વાનને ભૂખ વધુ લાગવાથી તે આક્રમક બનતા હોય છે અને માણસોને બચકાં ભરવા માટે દોડે છે. ડાયાબિટિસના કારણે શ્વાનમાં મોતિયાના કેસો પણ જોવા મળી રહ્યા છે. રખડતા કૂતરાને જે ખોરાક આપવામાં આવે છે તેમાં ખીચડી, દાળ-ભાત હોય તે આપી શકાય છે. શ્વાનને બિસ્કિટ જેવી વસ્તુઓ કે જેમાં ગ્લુકોઝ છે તે ખવડાવવામાં આવે તેના કારણે તેમનામાં ડાયાબિટિસનું પ્રમાણ વધતું હોય છે.
પશુ ચિકિત્સકે ઉમેર્યું હતું કે, આ વાયરલ કે બેક્ટેરિયાથી થતી બીમારી નથી જેના કારણે ડોગ બાઈટથી ડાયાબિટિસનો ચેપ માણસને લાગતો નથી. જોકે, તેમણે જણાવ્યું કે કૂતરામાં રહેલો હડકવાનો રોગ હોય તે લાગુ પડી શકે છે. એટલા માટે જ ડોગ બાઈટ બાદ ઘાયલ વ્યક્તિને હડકવાની અસર ના થાય તે માટે રસી આપવામાં આવે છે.