 
                                    મહેસાણાઃ અઢી વર્ષમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 19,435 વાહન ચાલકોને ઈ-મેમો અપાયો
- મહેસાણા શહેર અને હાઈવે ઉપર લગાવાયા સીસીટીવી કેમેરા
- 189 સીસીટીવી કેમેરાથી કરાય છે મોનિટરિંગ
- ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં ટ્રાફિકના નિયમન માટે વિવિધ સ્થળો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. ઉત્તર ગુજરાતના મહેસાણા શહેર અને હાઈવે ઉપર પણ ટ્રાફિક નિયમન માટે 180થી વધારે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં છે. દરમિયાન બે વર્ષના સમયગાળા દરમિયાન ચાલુ વાહને મોબાઇલ ફોન ઉપર વાત કરનારા 5500થી વધારે વાહન ચાલકોને ઈ-મેમો આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા સિટી તેમજ હાઈવે પર 189 સીસીટીવી કેમેરા થકી મહેસાણા જિલ્લા પોલીસેની વાહન ચાલકો ઉપર નજર રાખી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં ચાલુ વાહનો ઉપર મોબાઈલ પર વાત કરતાં કુલ 5,513 વાહન ચાલકોને ઈ-મેમા ઈશ્યૂ કરવામાં આવ્યા છે. જેની રકમ એક કરોડ થવા જાય છે.
છેલ્લા અઢી વર્ષમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ કુલ 19,435 વાહન ચાલકોને 2 કરોડ રૂપિયા કરતાં વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ જેવા કે ટ્રિપલ સવારી, વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી, સીટ બેલ્ટ વિના કાર હંકારવી, HSRP નંબર પ્લેટ વિનાનું વાહન હોવું, ભયજનક ડ્રાઈવિંગ, ઓવર સ્પીડ તેમજ નો-પાર્કિંગ માટે વાહન ચાલકો દંડાયા છે. મહેસાણામાં 5 જુલાઈ, 2019થી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ-મેમો આપવાની શરૂઆત થઈ હતી.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

