
ગોવામાં મીગ-29K ફાઈટર પ્લેન ક્રેશ થયું, પાઈલોટનો બચાવ
મુંબઈઃ ગોવામાં એક MiG-29K ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન આ અકસ્માત થયો હતો. પ્લેન ક્રેશ થયા બાદ પાયલોટ બહાર નીકળવામાં સફળ રહ્યો, જેના કારણે તેનો જીવ બચી ગયો. ભારતીય નૌકાદળે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામી બાદ પ્લેન બેઝ પર પરત ફરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી.
રશિયાની મિકોયાંગ કંપની દ્વારા નિર્મિત મિગ-29 એરક્રાફ્ટ ભારતીય સેનામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. એરફોર્સમાં તેની સંખ્યા 70ની નજીક છે. વાયુસેનાની સાથે ભારતીય નેવી પણ આ વિમાનનો ઉપયોગ કરે છે. આ અગાઉ રાજસ્થાનના બાડમેરમાં આ વર્ષે 29 જુલાઈએ ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટ શહીદ થયા હતા. તેમની ઓળખ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સંધોલના વિંગ કમાન્ડર મોહિત રાણા (ઉ.વ 39) અને જમ્મુના ફ્લાઇટ લેફ્ટનન્ટ અદ્વિતિયા બલ (ઉ.વ 26) તરીકે થઈ હતી.