
મુંદ્રા બંદરેથી ભંગારના કન્ટેનરમાંથી પાકિસ્તાની લશ્કરીથી વપરાયેલી યુદ્ધ સામગ્રી મળી
- આફ્રિકાથી 10 કન્ટેન્ટર મુંદ્રા બંદર આવ્યાં હતા
- કસ્ટમ વિભાગે બાતમીના આધારે તપાસ કરી હતી
અમદાવાદઃ ગુજરાતના મુદ્રા બંદરે આયાતી ભંગારના કન્ટેનરોમાંથી પાકિસ્તાની લશ્કર દ્વારા વપરાશમાં લેવાતી યુદ્ધની સામગ્રી મળી આવી છે. જેથી બંદરના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આફ્રિકાથી 200 ટન જટલો ભંગારનો જથ્થો આયાત કરવામાં આવ્યાં હતા. ભંગારના 10 જેટલા કન્ટેનરમાંથી સૈન્ય સામગ્રી મળી આવતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આફ્રિકાના દેશમાંથી દસ કન્ટેનર ભરીને ભંગાર આયાત કરાયો હતો. કસ્ટમને ભંગારના આ જથ્થામાં કશુંક વાંધાજનક હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેથી તમામ કન્ટેનરોને તપાસવા માટે રોકવામાં આવ્યા હતા. આ કન્ટેનરોને ખાલી કરીને ભંગારના 200 ટન જેટલા જથ્થાની તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન પાકિસ્તાન લશ્કર દ્વારા વપરાયેલી યુદ્ધ સામગ્રી જોવા મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આફ્રિકાથી આયાત થતા ભંગારમાં લશ્કરી સરંજામના અવશેષો મળવા સ્વાભાવિક ગણાય છે, પણ આ વખતે પાકિસ્તાની લશ્કરને સંબંધિત યુદ્ધ સામગ્રીનો જથ્થો મળી આવતા તપાસનીશો ચોંકી ઉઠયા છે. સત્તાવાર નિયમો મુજબ પાકિસ્તાનથી આયાત થતા ભંગાર પર 200 ટકા ડયુટી વસુલવાની હોય છે. આ કન્ટેનરો આફ્રિકાથી આવ્યા હોવાને લીધે માલ પાકિસ્તાનથી મુન્દ્રા વાયા આફ્રિકા લાવીને ડયુટી ચોરી કરાઇ હોવાની શક્યતા પણ નકારાતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કચ્છના એક બંદર ઉપરથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં આ જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનું ખૂલ્યું હતું. હવે પાકિસ્તાની લશ્કરનો વપરાયેલો યુદ્ધ સામાન મળી આવતા તંત્રએ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.