
વઢવાણના ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે ખનિજ વિભાગના દરોડા, 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ખનીજ ચોરીનું દૂષણ વધતું જાય છે. જેમાં ભોગાવો નદીમાં રેતીની ચોરી પણ બેરોકટોક થઈ રહી છે. આથી જિલ્લા કલેકટરની સૂચનાથી ખાણખનિજ તંત્રે વઢવાણના સાંકળીના ભોગાવા નદીમાં દરોડા પાડીને રેતી ચાળવાના વોશપ્લાન્ટ, લોડર મશીન, ટ્રક, ડમ્પરો સહિતનો અંદાજે રૂ. 1.15 કરોડનો મુદામાલ સીઝ કરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ભોગાવો નદીમાં રેતીની બેરોકટોક ચોરી થઈ રહ્યાની ફરિયાદો ઊઠી હતી. ડમ્પરો અને ટ્રકો ભરીને સતત રેતી લઈ જવાથી નદીમાં ઠેર ઠેર ઊંડા ખાડાં જોવા મળી રહ્યા છે. દરમિયાન જિલ્લા કલેકટરની સૂચનાથી ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ખનીજ વિભાગની તપાસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વઢવાણ તાલુકાના સાંકળી ગામના ભોગાવા નદીમાં દરોડો પાડીને એક રેતી ચાળવાનો વોશ પ્લાન્ટ તેમજ એક લોડર મશીન તેમજ ટ્રક વગેરે મુદામાલ સીઝ કરાયો હતો.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રોડ ચેકિંગ કરતા બે ડમ્પરોમાં કાબ્રોસેલ ખનીજ, ત્રણ ડમ્પરોમાં બ્લેકટ્રેપ ખનીજ, બે ડમ્પરોમાં સાદી રેતી તેમજ એક ડમ્પરમાં સિલિકાસેન્ડ ખનીજ ગેરકાયદે વહન કરતા સીઝ કરવામાં આવ્યા હતા. આ દરોડાઓમાં અંદાજે કુલ રૂ. 1.15 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી, સાયલા, થાન, ધ્રાંગધ્રા સહિતના તાલુકામાં પણ ખનીજ ચોરીની ફરિયાદો જિલ્લા તંત્રને મળી છે. અને ખાણ ખનિજ વિભાગ તપાસ કરી રહ્યું છે. ઉપરાંત ભોગાવો નદીમાં માત્ર વઢવાણ જ નહીં પણ લીંબડી સહિત નદી કાંઠા વિસ્તારોમાંથી પણ રેતીની ચોરી થઈ રહી હોવાનું કહેવાય છે. (File photo)