
વડોદરા : જિલ્લાના પાદરા તાલુકાના મુંજપુર ગામ પાસે મહીસાગરના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન સામે સ્થાનિક પંચાયતના સદસ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે કાર્યવાહી થઇ હતી. પાદરા મામલતદાર કચેરી અને પોલીસ અધિકારીઓએ દરોડો પાડતા ડમ્પરને હિટાચી મશીન મૂકી ખનન કરતા તત્વો ભાગી છુટ્યા હતા. પાંચ એકરમાં ગેરકાયદેસર ખનન કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે.
પાદરાના મુજપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતું હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી હતી. સ્થાનિક પંચાયત કે કોઈ વાંધો ઉઠાવે તો રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા હુમલો અને મારા મારી કરતા હોવાના કિસ્સાઓ પણ બનતા હતા. પાદરાના મુજપુર ગ્રામ પંચાયતના જાગૃત સદસ્યના સતર્કતાથી ગેરકાયદેસર રીતે રેતી ખનના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
મુજપુર ગ્રામ પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ ઉદેસિંહ પઢિયારને માહિતી મળી હતી કે, ગામના વિસ્તારમાં મહી નદીના પટમાં કેટલા તત્વો દ્વારા રેતીનું ખનન કરી રહ્યા છે. જે અંગેની જાણ તેમણે ખાણ ખનીજ વિભાગને કરી હતી. જેથી હરકતમાં આવેલા પાદરા મામલતદાર કચેરીએ પોલીસને સાથે રાખીને રેતી ખનન ચાલતું હતું તે સ્થળે દરોડો પાડ્યો હતો. જે ખનન કરતા તત્વો ત્યાંથી ડમ્પર અને હીટાચી મશીન મૂકીને ભાગી છૂટ્યા હતા. આગાઉ પણ ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિઓ દ્વારા આ વિસ્તારમાં રહેતા રહીશો પર હુમલો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાથમિક તારણ પ્રમાણે પાંચ એકરમાં રેતી ખનન કર્યું હોય તેવું જાણવા મળે છે. આ તમામ રિપોર્ટ અને કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ મોકલવામાં આવશે તેમ સર્કલ મામલતદાર એ જણાવ્યું હતું.