ગાંધીનગર : પોતાના સુવર્ણ ભવિષ્ય માટે સપના જોવા તે યુવાનોનો અધિકાર છે, પરંતુ કોઈ પણ સપના અથાગ મહેનત વગર સાકાર થતા નથી, તેવું આજરોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલ રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં જણાવ્યું હતું. રાજ્ય કક્ષાના યુવા ઉત્સવના સમાપન સમારંભમાં ઉપસ્થિત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક સપન પૂર્ણ થયા બાદ જ બીજું સપનું જોવું જોઈએ. તેમણે યુવાનોને જીવનમાં સમય મળે ત્યારે માટી સાથે રમવાની રમત અવશ્ય રમવી જોઈએ. માટી સાથે રમત રમવાથી જીવનમાં શું શું ફાયદા થાય છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી.
તેમણે યુવાનોને સમાજના નાના-મોટા કામોમાં હંમેશા સહભાગી બનવા અને કોઈપણ વ્યક્તિને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેવા અપીલ કરી હતી. તેમણે યુવાનોને સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત કાર્ડ, ઉજ્વલા યોજના જેવી યોજનાઓની લોકોને સમજ આપી, આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તેવી મદદ કરીને પણ ઉમદા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થઈ શકો છો, તેવું પણ જણાવ્યું હતું.
ચૂંટણી લડીને જ નેતા બની શકાય તેવું નથી, એવું કહી તેમણે ઉમેર્યું હતું કે, તમે જે ક્ષેત્રમાં કામ કરો છો, ત્યાં કોઈને મદદરૂપ થાવ, કોઈનું જીવન બદલી શકો અને કોઈ વ્યક્તિને સાચો માર્ગ બતાવી લોકોના દિલમાં સ્થાન મેળવી શકો તો આપ સાચા નેતા જ છો. આ કાર્યક્રમમાં મંત્રીએ યુવાનોને પાસેથી તેઓ પોતાના જીવનમાં શું કરવા માંગે છે, તેમની પાસે જાણી હતી.યુવાનોને એક સપના સાકાર થયા પછી અટકી ન જવાની પણ અપીલ કરી હતી.
ગાંધીનગરના આંગણે યોજાયેલ બે દિવસીય રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ, દમણ અને સેલવાસ માંથી ૬૦૦ જેટલા યુવાનો સહભાગી થયા હતા. બે દિવસ દરમિયાન યુવાનો માટે મોબાઈલ ફોટોગ્રાફી, વકૃત્વ, કાવ્ય લેખન અને ચિત્ર સ્પર્ધા સાથે ગ્રુપ ડાન્સ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે યુવાનોના જનરલ નોલેજ વધારવા માટે ક્વિઝ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

