27 વર્ષ પછી ભારતમાં યોજાશે મિસ વર્લ્ડ સ્પર્ધા,તાજ માટે 130 દેશોના સ્પર્ધકો લેશે ભાગ
મુંબઈ : ભારત માટે આ વખતે મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટ ખૂબ જ ખાસ બનવા જઈ રહી છે, કારણ કે આ વર્ષે ભારતમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. ભારત 27 વર્ષ પછી મિસ વર્લ્ડની ફિનાલેનું આયોજન કરશે. આ સ્પર્ધામાં વિશ્વભરની મહિલાઓ મિસ વર્લ્ડના તાજ માટે એકબીજા સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. તાજેતરમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન અને સીઈઓ મિસ જુલિયાએ આ ઈવેન્ટના સંગઠન વિશે માહિતી આપી છે.
આ ઈવેન્ટ વિશે માહિતી આપતાં જુલિયા મોર્લીએ કહ્યું કે “મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે 71મી મિસ વર્લ્ડ સ્પર્ધાની ફિનાલે આ વખતે ભારતમાં યોજાવા જઈ રહી છે. જ્યારે હું 30 વર્ષ પહેલાં ભારત આવી હતી, ત્યારથી જ આ દેશ સાથે મારો ખાસ લગાવ રહ્યો છે. અમે આ દેશની સંસ્કૃતિના આકર્ષણ અને વિવિધતાથી સમગ્ર વિશ્વને પરિચય કરાવવા માંગીએ છીએ. મિસ વર્લ્ડ લિમિટેડ અને PME એન્ટરટેનમેન્ટ એક ભવ્ય રીતે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા માટે સાથે મળીને કામ કરશે.”
આ વિશે વધુ માહિતી આપતાં મોર્લીએ કહ્યું કે ’71મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં 130 દેશોની નેશનલ ચેમ્પિયન મહિલાઓ ભાગ લેશે. આ તમામ સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અહીં રોકાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પેજન્ટની ફિનાલે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાશે. જેમાં ઘણા રાઉન્ડ થશે.
લગભગ 27 વર્ષ બાદ ભારત ફરી એકવાર મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે. જે તમામ ભારતીયો માટે ખૂબ જ ગર્વની વાત છે. સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે છ વખત મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો છે.