
નવી દિલ્હીઃ રામનવમીના પાવન પર્વ ઉપર બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં કટ્ટરપંથીઓએ આચરેલી હિંસાના ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિની તૈયારીઓને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે. જે અનુસાર રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈપણ પરિબળ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આવતીકાલે 6 એપ્રિલે દેશમાં ધાર્મિક માહોલમાં હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવશે.
રામ નવમી પર બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં હિંસા થઈ હોવાથી, કેન્દ્ર સરકાર પહેલેથી જ એલર્ટ મોડ પર છે. તેથી જ તમામ રાજ્યોને તહેવાર દરમિયાન કડક તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આ વખતે કેન્દ્ર કોઈ ક્ષતિ સહન કરશે નહીં. રામ નવમી પર શરૂ થયેલી સાંપ્રદાયિક હિંસા હજુ અટકવાનું નામ નથી લઈ રહી. તેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના હુગલીમાં જોવા મળી હતી. અત્યારે પણ પશ્ચિમ બંગાળ અને બિહારના શહેરોમાં હિંસાની આગ ફાટી નીકળી હતી.
કલકત્તા હાઈકોર્ટે પણ બુધવારે (5 એપ્રિલ) હનુમાન જયંતિને લઈને આદેશ આપ્યો છે. હાઈકોર્ટે બંગાળ સરકારને કેન્દ્ર સરકાર પાસેથી બળ માંગવા કહ્યું છે. જો રાજ્યમાં પોલીસ દળ પૂરતું ન હોય અર્ધલશ્કરી દળની મદદ લેવા નિર્દેશ કરાયો છે. હાઈકોર્ટે કહ્યું કે, અમે અમારા નાગરિકોની સલામતી ઇચ્છીએ છીએ. દિલ્હીમાં હનુમાન જયંતિના એક દિવસ પહેલા, દિલ્હી પોલીસે જહાંગીરપુરીમાં ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય જૂથને 6 એપ્રિલે હનુમાન જયંતિ પર જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવાની પરવાનગી નકારી હતી.