1. Home
  2. ગુજરાતી
  3. ભારત સામેની હારથી નારાજ મોહસીન નકવીએ પાકિસ્તાની ખેલાડીઓને મોકલ્યો ખાસ સંદેશ
ભારત સામેની હારથી નારાજ મોહસીન નકવીએ પાકિસ્તાની ખેલાડીઓને મોકલ્યો ખાસ સંદેશ

ભારત સામેની હારથી નારાજ મોહસીન નકવીએ પાકિસ્તાની ખેલાડીઓને મોકલ્યો ખાસ સંદેશ

0
Social Share

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: T20 વર્લ્ડ કપ 2026માં રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. સમગ્ર મેચ દરમિયાન પાકિસ્તાન ક્યાંય ટકી શક્યું નહોતું અને ભારતનો એકતરફી વિજય થયો હતો. આ હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. પીસીબીના ચેરમેન પાકિસ્તાની ટીમના ખેલાડીઓને સંદેશ મોકલીને મહત્ત્વની મેચોમાં આવું નબળું પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ વર્લ્ડકપ બાદ બાબર આઝમ અને આફ્રિદીને ટીમમાંથી બહાર કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

ભારતીય ઓપનર ઈશાન કિશને પાકિસ્તાની બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. પાકિસ્તાન તરફથી માત્ર ઉસ્માન તારિક થોડો પ્રભાવી રહ્યો હતો, પરંતુ અન્ય કોઈ બોલર ભારતીય બેટ્સમેનોને રોકી શક્યો નહોતો. ભારતના મજબૂત સ્કોર સામે પાકિસ્તાની ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. મેચ જોવા માટે ખાસ કોલંબો આવેલા PCB ચીફ મોહસિન નકવી મેચ શરૂ થતા પહેલા ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. જોકે, ભારત સામે 61 રનથી મળેલી હાર જ્યારે નિશ્ચિત જણાઈ, ત્યારે નકવી આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં બેસી શક્યા નહોતા અને મેચ પૂરી થાય તે પહેલા જ સ્ટેડિયમ છોડીને જતા રહ્યા હતા.

રિપોર્ટ મુજબ, નકવીએ ટીમ મેનેજર નાવેદ અકરમ ચીમા દ્વારા ખેલાડીઓ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે મહત્ત્વની મેચોમાં આવું નબળું પ્રદર્શન સ્વીકાર્ય નથી. હેડ કોચ માઈક હેસને પણ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓનો ઉધડો લીધો હતો. પાકિસ્તાન ક્રિકેટમાં હવે મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેનેજમેન્ટે બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદીને પ્લેઈંગ-11 માંથી બહાર કરી નસીમ શાહ, સલમાન મિર્ઝા કે ફખર ઝમાનને તક આપવાનો વિચાર કર્યો છે.

પાકિસ્તાન માટે હવે સ્થિતિ અત્યંત ગંભીર છે. બુધવારે પાકિસ્તાનનો સામનો નામિબિયા સામે થશે. જો નામિબિયા આ મેચ જીતી જશે, તો પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાંથી જ વર્લ્ડ કપની બહાર ફેંકાઈ જશે.

આ પણ વાંચોઃ અમેરિકા: રોડ આઇલેન્ડના હોકી એરેનામાં અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code