અમદાવાદમાં થલતેજ-વસ્ત્રાલ મેટ્રો રેલ લાઈન પર અડચણરૂપ બનતા વાનરો, ટ્રેન રોકવી પડે છે
અમદાવાદઃ શહેરમાં વાનરોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. હવે વાનરો મેટ્રો ટ્રેન માટેનો કોરીડોરમાં પણ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જેમાં થલતેજ અને વસ્ત્રાલને જોડતાં મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરોડિર સાથે વાંનરોએ અવરોધ ઉભો કરવાનું શરુ કર્યુ છે. આ કોરિડોર સમાંતર ઊચા અને લીલાછમ વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોની ઊંચાઈ એલિવેટેડ મેટ્રો ટ્રેકની સમાન છે. મેટ્રોના અધિકારીઓના કહેવા મુજબ, આ વૃક્ષો પર વાંદરાઓનો વસવાટ છે અને સાવચેતીના ભાગરુપે ટ્રેનના પાઈલટ્સને નદી ક્રોસ કરતી વખતે થલતેજ તરફ અને સરદાર પટેલ સ્ટેડિયમ નજીક વસ્ત્રાલ તરફ જતા સમયે હોર્ન વગાડવાની સૂચના આપવામાં આવી છે. જો કે, ઘણીવાર એવું બન્યું છે. કે, જ્યાં સુધી ટ્રેન તેમની ખૂબ નજીક ન આવે ત્યાં સુધી વાંદરાઓ કોરિડોરની રેલિંગ પરથી હટતા નથી, જેના કારણે ટ્રેનને અટકાવી દેવામાં આવે છે. વાનરો હટી ગયા બાદ ટ્રેનને દોડાવવામાં આવે છે. આ સમસ્યા માગ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે માત્ર એક-બે જગ્યાએ જ જોવા મળે છે. જ્યારે APMCથી મોટેરા સાથે જોડતા ઉત્તર દક્ષિણ કોરોડિર પર વાંદરાઓ મેટ્રો કામગીરીમાં દખલ કરતા જોવા મળ્યા નથી.
મેટ્રો કોર્પોરેશનના એક અધિકારીના કહેવા મુજબ, શહેરમાં થલતેજ અને વસ્ત્રાલ વિસ્તારના રૂટ્સ પર બે કે ત્રણ સ્થળોએ વાનરોની સમસ્યા જોવા મળતા હોય છે. આ સમસ્યાને હળવી કરવા માટે એલિવેટેડ કોરિડોરની નજીક આવેલી શાખાઓને ટ્રિમ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. જો કે, મેટ્રો ટ્રેનનો સતત હોર્ન વગાડવો કોરિડોર નજીક રહેતા રહેવાસીઓ માટે ખલેલ પહોંચી શકે છે. મેટ્રોના કોરીડોર સમાંતર જે ઊચા વૃક્ષો છે. તેને ટ્રીમ કરવા માટે એએમસીને વિનંતી કરી છે, જો કે એએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે, મેટ્રો કોરીડોર સમાંતર જે ઊંચા વૃક્ષો છે. તેને કાપવા માટે બિનસત્તાવાર વિનંતીઓ કરવામાં આવી હોવા છતા કોઈ સત્તાવાર સંદેશા વ્યવહાર થયો નથી અને હજુ સુધી કોઈ કાર્યવાહી શરુ કરવામાં આવી નથી. મેટ્રો કોર્પોરેશન દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવશે તો ચોક્કસ જે વૃક્ષો નડતરરૂપ હશે તેને ટ્રીમ કરવામાં આવશે.