
અમદાવાદઃ શહેરમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુંને કારણે વાયરલ કેસમાં વધારો થયો છે. સરકારી અને ખાનગી દવાખાના પર લોકોની લાઈનો જોવા મળી રહી છે. ઉપરાંત શહેરમાં પ્રદૂષિત પાણી અંગેની વધતી જતી ફરિયાદોની વચ્ચે વર્ષ-2020માં ડિસેમ્બર અંત સુધીમાં પાણીજન્ય રોગના નોંધાયેલા કેસ કરતા પણ વધુ આ વર્ષે 20 નવેમ્બર સુધીમાં નોંધાવા પામ્યા છે. 20 નવેમ્બર સુધીમાં શહેરમાં ઝાડા-ઊલટીના 3397 કેસ નોંધાયા હતા. ઉપરાંત ટાઈફોઈડના 1900 કેસ, કમળાના 1218 તથા કોલેરાના 64 કેસ નોંધાવા પામ્યા છે.નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 273 તથા ચીકનગુનીયાના 191 કેસ નોંધાયા હતા.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ- 2020માં જાન્યુઆરીથી ડિસેમ્બર અંત સુધીમાં ઝાડા ઊલટીના 2072 કેસ નોંધાયા હતા.જેની તુલનામાં આ વર્ષે 20 નવેમ્બર સુધીમાં 3397 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના ગત વર્ષે કુલ 1338 કેસ નોંધાયા હતા.જેની સરખામણીમાં આ વર્ષે 20 નવેમ્બર સુધીમાં 1900 કેસ નોંધાયા છે. કોલેરાનો ગત વર્ષે એક પણ કેસ નોંધાયો નહોતો.આ વર્ષે કોલેરાના 64 કેસ નોંધાયા છે. કમળાના ગત વર્ષે 664 કેસ નોંધાયા હતા.આ વર્ષે 20 નવેમ્બર સુધીમાં 1218 કેસ નોંધાયા છે. આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસીડેન્શીયલ ટેસ્ટ માટે અત્યાર સુધીમાં કુલ 76653 સેમ્પલ લેવામાં આવ્યા છે.જે પૈકી 202 સેમ્પલમાં કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે. બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે 8398 સેમ્પલ લેવાયા હતા.જે પૈકી 161 સેમ્પલ અનફીટ જાહેર થયા છે. મચ્છર જન્ય રોગના કેસમાં આ મહિનામાં 20 નવેમ્બર સુધીમાં મેલેરીયાના 70 કેસ નોંધાયા છે.ઝેરી મેલેરીયાના 12 કેસ જયારે ડેન્ગ્યુના 273 અને ચીકનગુનીયાના 191 કેસ નોંધાયા હતા.
ડેન્ગ્યુના ગત વર્ષે ૪૩૨ કેસ નોંધાયા હતા.આ વર્ષે ૨૦ નવેમ્બર સુધીમાં ૨૮૦૯ કેસ નોંધાયા છે.જયારે ગત વર્ષે ચીકનગુનીયાના ૯૨૩ કેસ વર્ષ અંત સુધીમાં નોંધાયા હતા.જેની તુલનામાં આ વર્ષે ૨૦ નવેમ્બર સુધીમાં ૧૪૯૮ કેસ નોંધાવા પામ્યા છે.