1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 10 જિલ્લામાં 3000 કરતા વધારે ખેત તલાવડીઓ બનશે
ગુજરાતના 10 જિલ્લામાં 3000 કરતા વધારે ખેત તલાવડીઓ બનશે

ગુજરાતના 10 જિલ્લામાં 3000 કરતા વધારે ખેત તલાવડીઓ બનશે

0
Social Share

અમદાવાદઃ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને ડીસા તાલુકાના શેરપુરા ખાતે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા સહિત આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી બની છે, આ યોજના હેઠળ રાજ્ય સરકાર રૂ. 3800 લાખના ખર્ચે રાજ્યના દસ જિલ્લાઓમાં  ખેડૂતોને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાનો લાભ આપવામાં આવશે. 

પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધેસીધું જમીનમાં ઉતરતું નથી અને સંગ્રહીત થયેલ પાણીનો ઉપયોગ વરસાદ ખેંચાઈ જાય અથવા તો વચગાળાના સમયમાં અને જ્યારે વરસાદ નહીં પડે તેવા સંજોગોમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં / રવિ સિંચાઈમાં કરી શકે છે. તેનાથી ખેડૂતોના પાકને પૂરક પાણી પૂરું પાડવાની સાથે સાથે ઉપજમાં વધારો કરી શકાય તેમ જ સાથે સાથે ભૂગર્ભજળમાં બચાવ કરી શકાય છે.

બનાસકાંઠા જિલ્લામાં આ યોજનાનો પાઇલોટ પ્રોજેકટ સફળ થયા બાદ આજથી  રાજ્યના 10 જિલ્લાઓમાં આ યોજના અમલી બનવાઈ છે.  રૂ. 3800 લાખના ખર્ચે રાજ્ય સરકાર 10 જિલ્લાઓમાં 3000 કરતાં વધુ ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાથી રાજ્યમાં જળ સંચયનું પાણીદાર આયોજન શક્ય બનશે અને ખેડૂતોની સિંચાઇની સમસ્યા દૂર થવાથી તેમની ઉપજ વધશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે.

આ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે ટપક અને ફુવારા પદ્ધતિનો મોટાપાયે ઉપયોગ તેમજ જળ સંચય માટે ખેત તલાવડી બનાવી વરસાદી પાણીને વહી જતું અટકાવવાના ઉપાયને બિરદાવી ખેડૂતોના પાણીદાર આયોજનને બિરદાવ્યું હતું. ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો પાયલોટ પ્રોજેકટ આ જિલ્લામાં શરૂ થયો અને આ જિલ્લામાંથી આજે રાજ્યવ્યાપી યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે એની વિશેષ ખુશી હોવાનું જણાવી પાણીનું મહત્વ અને જળ સંચય માટે વધુ જાગૃત બનવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીએ જીઓ મેમ્બ્રેનનો વિચાર, સંકલ્પ અને પાયલોટ પ્રોજેકટ દ્વારા આ યોજના  ખેડૂતો માટે કેટલો ઉપયોગી બનશે એની વિગતવાર રજુઆત રાજ્ય સરકાર સમક્ષ મૂકી આ યોજનાને મૂર્તિમંત સ્વરૂપ આપવામાં ભગીરથ પ્રયત્ન કરનાર ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીની ખેડૂતો માટેની ચિંતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code