
કોંગોમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી જતાં 80થી વધુ લોકોના મૃત્યું થયા
કોંગોમાં એક નદીમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી જતાં 80થી વધુ લોકોના મોત થયા છે. બુધવારે માઇ-નડોમ્બે પ્રાંતની ક્વા નદીમાં આ અકસ્માત થયો હતો. બોટમાં 100 થી વધુ લોકો સવાર હતા. પ્રમુખ ફેલિક્સ સિસ્કેડીએ જણાવ્યું હતું કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવા માટે અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અલજઝીરાના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિએ પીડિતોના પરિવારોને તેમનો શોક સંદેશ મોકલ્યો છે અને અધિકારીઓને આપત્તિથી પ્રભાવિત લોકોની મદદ માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. માઇ-નડોમ્બે પ્રાંતના ગવર્નર રીટા બોલા દુલાએ રોઇટર્સને જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે નૌકાવિહારને કારણે થઈ હતી. તેમણે કહ્યું કે અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
કોંગોમાં બોટ અકસ્માતો સામાન્ય છે. અહીં, બોટ દ્વારા મુસાફરી કરતી વખતે ઘણીવાર સલામતીના ધોરણોની અવગણના કરવામાં આવે છે અને લોકો ઘણીવાર ક્ષમતા કરતા વધુ સામાન સાથે મુસાફરી કરે છે. અહેવાલો અનુસાર, ગાઢ જંગલ વિસ્તારને કારણે મધ્ય આફ્રિકન દેશ કોંગોમાં બહુ ઓછા પાકા રસ્તાઓ છે. જેના કારણે લોકો પાસે નદી માર્ગે મુસાફરી કરવાનો વિકલ્પ બચ્યો છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં કોંગોમાં બોટ દુર્ઘટનામાં સોથી વધુ લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન બોટમાં 300થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માત એક નદીમાં થયો હતો. આ દરમિયાન લોકોએ લાઈફ જેકેટ પણ પહેર્યા ન હતા જેના કારણે વધુ લોકોના જીવ ગયા હતા. મંગળવારે યમનના એડનના દરિયાકાંઠે એક બોટ પલટી ગઈ હતી, જેમાં 49 લોકોના મોત થયા હતા અને 140 થી વધુ લોકો ગુમ થયા હતા.