ભારતમાં સોશિયલ મીડિયા અને મનોરંજન એપ્લિકેશનો સૌથી વધુ લોકપ્રિય
ભારતમાં લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં કેટલા કલાક વિતાવે છે અને તેઓ મોબાઇલ ફોન પર સૌથી વધુ શું જુએ છે? આ અંગે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ભારતમાં મોબાઈલનું મોટું બજાર છે. ભારત વિશ્વનું બીજું સૌથી મોટું 5G મોબાઇલ બજાર બની ગયું છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના એક રિપોર્ટ મુજબ, ભારતે 5G સ્માર્ટફોનના શિપમેન્ટમાં અમેરિકાને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે ભારતીય લોકો તેમના મોબાઇલ ફોન પર સૌથી વધુ શું જુએ છે અને શું ઉપયોગ કરે છે? આ અંગે એક રિપોર્ટ બહાર આવ્યો છે.
મોબાઇલ ફોનના ઉપયોગ અંગે સેન્સર ટાવરનો “સ્ટેટ ઓફ મોબાઇલ 2025” રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એવું નોંધાયું હતું કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતીયો વધુ મોબાઇલ એપ્લિકેશનો ડાઉનલોડ કરે છે અને તેના પર વધુ સમય વિતાવે છે. જોકે, એપ્સ મારફતે માલ ખરીદવાના મામલે ભારત પાછળ છે. તમે આનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે એપ્સ મારફતે ખરીદીથી થતી આવકના સંદર્ભમાં ભારત ટોચના 20 દેશોમાં પણ સામેલ નથી.
ભારતમાં પણ 2024માં લોકોએ એપ્સ ડાઉનલોડ કરવાનું ઓછું કર્યું. વર્ષ 2024માં લગભગ 24.3 બિલિયન (2400 કરોડ) એપ્સ ડાઉનલોડ કરવામાં આવી હતી, જ્યારે 2023માં 25.6 બિલિયન (2500 કરોડ) એપ્સ અને 2022માં 26.6 બિલિયન (2600 કરોડથી વધુ) એપ્સ ડાઉનલોડ કરવામાં આવી હતી. ભલે લોકોએ ઓછી એપ્સ ડાઉનલોડ કરી હોય પણ એપ પર વિતાવેલો સમય વધ્યો છે. વર્ષ 2024માં ભારતીયોએ એપ્લિકેશન્સ પર 1.12 ટ્રિલિયન કલાક (1 લાખ કરોડ) સુધી પહોંચ્યા. આ આંકડો 2023માં 991 બિલિયન (લગભગ 99 હજાર કરોડ) કલાક અને 2022માં 841 બિલિયન કલાક (લગભગ 84 હજાર કરોડ કલાક) હતો.
ભારતમાં સોશિયલ મીડિયા અને મીડિયા અને મનોરંજન એપ્લિકેશનો સૌથી વધુ લોકપ્રિય છે. મોટાભાગના લોકો આમાં સમય વિતાવી રહ્યા છે. જોકે, તેના ડાઉનલોડ્સમાં પણ ઘટાડો થયો છે. ડેટિંગ એપ્સમાંથી IAP આવક 25% વધીને $55 મિલિયન (રૂ. 475 કરોડ) થઈ, જેમાં બમ્બલ સૌથી આગળ છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

