
બિહાર સહિત 5 રાજ્યોમાં મોસ્ટ વોન્ટેડ નક્સલવાદીનુ ભેદી સંજોગોમાં મોત, પાંચથી વધારે કેસ નોંધાયા હતા
નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિ અને નક્સલવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ઝારખંડ અને બિહાર સહિત પાંચ રાજ્યમાં મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી સંદીપ યાદવનું ભેદી સંજોગોમાં મોત થયાનું જાણવા મળે છે. સંદીપ યાદવના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. સંદીપ યાદવ બાંકબજાર બ્લોકના બાબુરામડીહ ગામનો હોવાનું જાણવા મળે છે. સંદીપ યાદવ ઉપર વિવિધ રાજ્યોની પોલીસે લાખોના ઈમાનની જાહેરાત કરી હતી.
સંદીપ યાદવના પુત્ર રાહુલ કુમારે જણાવ્યું હતું કે, જંગલમાંથી મૃતદેહ હોવાની માહિતી મળી હતી. ઘણા સમયથી તે બીમાર હતા, જેની દવા ચાલી રહી હતી. બીમારીના કારણે મૃત્યુ થવાનું મનાઈ રહ્યું છે. ઈમામગંજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પપ્પુ શર્માએ જણાવ્યું કે મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2018માં પહેલીવાર EDએ નક્સલવાદી નેતા સંદીપ યાદવ પર કાર્યવાહી કરી હતી અને દિલ્હી, નોઈડા, રાંચી, ઔરંગાબાદ વગેરે જેવી ઘણી જગ્યાએ બનેલી પ્રોપર્ટી જપ્ત કરી હતી. પરિવારના સભ્યોના બેંક ખાતામાં જમા કરાયેલા 20 લાખથી વધુ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. પત્નીના નામે અનેક મ્યુચ્યુઅલ ફંડ, બેંક ખાતા અને ફ્લેટ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પત્ની રાજવંતી દેવી પ્રાથમિક શાળા લુટુઆમાં શિક્ષક તરીકે નોકરી કરે છે.
સંદીપ યાદવ બિહાર ઝારખંડ સ્પેશિયલ કમિટી અને સેન્ટ્રલ બિહાર ઝોનલના પ્રભારી હતા. 15 વર્ષથી પોલિટબ્યુરોના સક્રિય સભ્ય હતા. તેના પર બિહારમાં 5 લાખ રૂપિયા અને ઝારખંડમાં 30 લાખ રૂપિયાનું ઈનામ છે. 1989માં મેટ્રિકની પરીક્ષા આપ્યા બાદ તે 1994માં નક્સલવાદી સંગઠનમાં જોડાયો હતો. સંદીપ યાદવ વિરુદ્ધ 500 થી વધુ કેસ નોંધાયેલા છે. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ કેસ નોંધાયેલા છે.
(Photo-File)