1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં સીએસટી રેલવે સ્ટેશન નજીક ફૂટઓવર બ્રિજ ધરાશાયી થતા 6ના મોત, 36 ઘાયલ જવાબદાર કોણ?
મુંબઈમાં સીએસટી રેલવે સ્ટેશન નજીક ફૂટઓવર બ્રિજ ધરાશાયી થતા 6ના મોત, 36 ઘાયલ જવાબદાર કોણ?

મુંબઈમાં સીએસટી રેલવે સ્ટેશન નજીક ફૂટઓવર બ્રિજ ધરાશાયી થતા 6ના મોત, 36 ઘાયલ જવાબદાર કોણ?

0
Social Share

મુંબઈમાં ગુરુવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ સીએસટી રેલવે સ્ટેશનની બહાર ફૂટઓવર બ્રિજને એક ભાગ ધરાશાયી થવાને કારણે છ લોકોના મોત અને 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે.

આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ સહીતના ઘણાં પ્રધાનો અને નેતાઓએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

બીએમસી ડિજાસ્ટર સેલના અધિકારી તાનાજી કામ્બેએ કહ્યુ છે કે દુર્ઘટના ગુરુવારે સાંજે સાત વાગ્યે અને 35 મિનિટે થઈ હતી. મહત્વપૂર્ણ છે કે આ બ્રિજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ અને એમઆરએ પોલીસ સ્ટેશનની સામે છે. તેને હિમાલયા બ્રિજ પણ કહેવામાં આવે છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે બ્રિજ દુર્ઘટનાને ગંભીર અને દુખદ ગણાવી છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી છે. ફડણવિસે દુર્ઘટનામાં મૃતકોના પરિવારને પાંચ લાખ અને ઘાયલોને પચાસ હજારના વળતરનું એલાન પણ કર્યું છે. તેની સાથે જ તેમણે કહ્યુ છે કે દુર્ઘટનામાં ઘાયલોની સારવાર મહારાષ્ટ્ર સરકાર કરાવશે.

મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ફડણવિસે જણાવ્યુ છે કે બીએમસી કમિશનર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ બ્રિજ લગભગ 1980માં બન્યો હતો. આ બ્રિજ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.

આ ફૂટઓવર બ્રિજ સડકથી 35 ફૂટની ઊંચાઈ પર હતો. જ્યારે પુલ ધરાશાયી થયો, ત્યારે ત્યાંથી ઘણાં લોકો પસાર થઈ રહ્યા હતા. પુલ ધરાશાયી થતા ઘણાં લોકો કાટમાળમાં ફસાયા હતા અને રાહત તથા બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટુકડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ હતી.

મુંબઈ બ્રિજ દુર્ઘટના પર મુખ્યપ્રધાન ફડણવિસે સવાલ ઉઠાવતા કહ્યુ છે કે આ સીએસટી બ્રિજ ઓડિટમાં સુરક્ષિત હોવાનું જણાયું હતું. ઓડિટમાં માત્ર મામૂલી તપાસનું સૂચન હતું. સરકાર તપાસ કરીને મામલાના મૂળ સુધી જશે.

શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યુ છે કે આ બ્રિજ રેલવેને આધિન છે. તેની દેખરેખનું કામ બીએણસી કરે છે. તેમ છતાં આ બ્રિજ કોનો છે? બીએમસીએ તેનું ઓડિટ કર્યુ.

રેલવેએ નિવેદનમાં કહ્યુ છે કે આ બ્રિજ બીએમસીનો હતો. જો કે તેઓ પીડિતોની મદદ કરી રહ્યા છે. રેલવેના ડોક્ટર બીએમસી સાથે મળીને રાહત-બચાવ કામગીરીમાં લાગ્યા છે. મધ્ય રેલવે ક્ષેત્રના પીઆરઓ એ. કે. જૈને દુર્ઘટના મામલે કહ્યુ છે કે બ્રિજ સ્ટેશનની બહારનો વિસ્તાર છે, રેલવેની સાથે જોડાયેલો નથી. સ્ટાફે ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડયા હતા.

કોંગ્રેસે દુર્ઘટના પર  રેલવે પ્રધન પિયૂષ ગોયલનું રાજીનામું માંગ્યું છે. કોંગ્રેસ તરફથી રણદીપ સૂરજેવાલા, સંજય નિરૂપમ અને મિલિંદ દેવડાએ સરકાર પર નિશાન સાધ્યું છે. સંજય નિરૂપમે કહ્યુ છે કે આ દુર્ઘટના કેન્દ્ર સરકાર અને રેલવેની અસફળતાના ઉદાહરણ છે.

મહારાષ્ટ્ર સરકારે રેલવે અને બીએમસીના અધિકારીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ-304એ પ્રમાણે એફઆઈઆર દાખલ કરી છે.

મુંબઈ બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મીડિયા અહેવાલોમાં પુલના ગાર્ડર પર કાટ લાગ્યો હોવાનો અને તેનું બીએમસી દ્વારા સમારકામ નહીં કરાવવામાં આવ્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારે બ્લેમગેમ વચ્ચે શુક્રવારે સવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

આ પહેલા 29 સપ્ટેમ્બરે-2017માં મુંબઈના એલફિન્સ્ટન રેલેવે સ્ટેશન એટલે કે પ્રભાદેવી રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજ પર નાસભાગ સર્જાઈ હતી. તેમા 23 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ ઘણાં સ્થાનો પર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. તેની સાથે જ લોકોના આવાગમન માટે સાત માસના રેકોર્ડ ટાઈમમાં નવો પુલ બનાવવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code