
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં G-20 સભ્યોની બેઠકનું સફળતાપૂર્વક આયોજન કર્યા પછી, ભારત હવે મુંબઈમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) બેઠકનું આયોજન કરશે. 141મું IOC સત્ર 15 થી 17 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં આયોજિત કરવામાં આવશે.
IOC સત્ર પહેલા IOC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 12, 13 અને 14 ઓક્ટોબરે થશે.આ માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ થોમસ બાચ મુંબઈ પહોંચી ચૂક્યા છે. તેઓ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરશે. મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા મિસ્ટર બેચે કહ્યું કે, આ ભારત માટે મહત્વપૂર્ણ રહેશે.
આ ઈવેન્ટ ભારતને ઓલિમ્પિક્સ જેવી મોટી વૈશ્વિક રમતગમત ઈવેન્ટની યજમાની માટે તેની તૈયારી દર્શાવવાની તક પૂરી પાડશે.IOC સત્રનું વાર્ષિક આયોજન કરવામાં આવે છે. આમાં, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્યોની બેઠક યોજાય છે. આ બેઠકમાં રમતગમતના કાર્યક્રમોને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે.
વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિકની મેજબાની માટે ભારત તૈયારીઓ કરી રહ્યું છે. મુંબઈમાં આઈઓસીની 141મી બેઠક મળવાની છે. બેજીંગમાં યોજાયેલી આઈઓસીની 139મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આગામી બેઠક ભારતમાં યોજાશે. જે તે વખતે આ નિર્ણયનો કોઈ દેશે વિરોધ કર્યો ન હતો. જેથી એવુ માનવામાં આવે છે કે, ભારતને ઓલિમ્પિકની મેજબાની મળવાની શકયતાઓ વધારે છે.
ભારતે પ્રથમવાર 1982માં એશિયન ગેમ્સ અને 2010માં રાષ્ટ્રમંડલ ખેલની મેજબાની કરી હતી. હવે આગામી મિશન સમર ઓલિમ્પિક છે. ભારત 40 વર્ષ બાદ આઈઓસીની બેઠકની મેજબાની કરવા જઈ રહ્યું છે. આ પહેલા 1983માં દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી.