નરેન્દ્ર મોદીએ જાપાનના તાકાઈચીને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રથમ મહિલા પીએમ સનાએ તાકાઈચીને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા ભારત-જાપાનની વ્યૂહાત્મક મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો અને સંરક્ષણ તથા ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જાપાની સમકક્ષ સનાએ તાકાઈચીને ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભારત-જાપાન મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “સનાએ તાકાઈચી, પ્રતિનિધિ સભાની ચૂંટણીમાં તમારી ઐતિહાસિક જીત બદલ અભિનંદન! આપણી વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મને વિશ્વાસ છે કે તમારા સક્ષમ નેતૃત્વ હેઠળ, આપણે ભારત-જાપાન મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું ચાલુ રાખીશું.”
ગયા વર્ષે 23 નવેમ્બરના રોજ જોહાનિસબર્ગમાં G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી તાકાઈચી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં ઈનોવેશન, સંરક્ષણ અને ટેલેન્ટ મોબિલિટી (પ્રતિભા ગતિશીલતા) જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઈચી સાથે સાર્થક બેઠક થઈ. અમે ઈનોવેશન, સંરક્ષણ, ટેલેન્ટ મોબિલિટી અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વેગ આપવાની રીતો પર ચર્ચા કરી. અમે અમારા દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને મજબૂત કરવા પર પણ વિચાર કરી રહ્યા છીએ. વધુ સારા ગ્રહ માટે ભારત-જાપાનની મજબૂત ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે.”
જાપાની મીડિયામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર, જાપાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તાકાઈચીના નેતૃત્વ હેઠળની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) રવિવારે યોજાયેલી અચાનક ચૂંટણીમાં પોતાના દમ પર આરામદાયક બહુમતી મેળવવા માટે તૈયાર હતી અને સાથી પક્ષો સાથે મળીને બે-તૃત્યાંશ બહુમતી પણ મેળવી શકે છે.
સર્વેક્ષણો મુજબ, LDP તેના ગઠબંધન સહયોગી ‘જાપાન ઈનોવેશન પાર્ટી’ સાથે મળીને પ્રતિનિધિ સભામાં 366 બેઠકો સુધી હાંસલ કરી શકે છે. તાકાઈચીએ 23 જાન્યુઆરીએ અચાનક નીચલા ગૃહને ભંગ કરીને ચૂંટણી કરાવી હતી. 60 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ નિયમિત સંસદીય સત્રની શરૂઆતમાં ગૃહ ભંગ કરવામાં આવ્યું હોય.
આ પણ વાંચોઃ હરિયાણાની જેલમાં રામ મંદિર ઉપર હુમલાના કાવતરાના આરોપીની હત્યા


