1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જુનાગઢમાં નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રથી સાહિત્યનો વારસો જીવંત થશેઃ મંત્રી
જુનાગઢમાં નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રથી સાહિત્યનો વારસો જીવંત થશેઃ મંત્રી

જુનાગઢમાં નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રથી સાહિત્યનો વારસો જીવંત થશેઃ મંત્રી

0
Social Share

જુનાગઢઃ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના સયુંકત ઉપક્રમે રૂ.15 કરોડના ખર્ચે નિર્માણ થનારા નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસગે અધ્યક્ષસ્થાનેથી  મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ સંશોધન કેન્દ્રથી સંશોધન, અનુવાદ અને સંરક્ષણ થકી નરસિંહ મહેતાજીનો સાહિત્ય વારસો જીવંત થશે. તેઓએ વૈષ્ણવજન ગાન, કૃષ્ણ ભક્તિ, સાહિત્ય ઉપર નરસિંહ મહેતાનો પ્રભાવ, નરસિંહ મહેતાના જીવન પ્રસંગો જેવા કે કુંવરબાઈનું મામેરું, શામળસા શેઠની હૂંડી, વસુદૈવ કુટુંબકમ વિગેરે વિષે પણ મનનીય વક્તવ્ય આપ્યું હતું.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે જે કામ કરો તેમાં નરસિંહ મહેતાજીની માફક પૂરો ભરોસો હોવો જોઈએ. ભરોસો, વિશ્વાસ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે નરસિંહ મહેતાજી. ધારાસભ્યએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરીને સાચા રામ રાજ્યની સ્થાપના થવાનો દૃઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.)ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતના એકમાત્ર કવિ-સર્જક નરસિંહ મહેતાજીના નામ ઉપર રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા 15 કરોડ રૂપિયાનું માતબર દાન અપાયું છે ત્યારે નરસિંહ મહેતા સંશોધન કેન્દ્રથી સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિ દ્વારા સમગ્ર જૂનાગઢ વિસ્તાર ગુંજી ઉઠશે.

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ડો.ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે આજે પણ કરતાલ વગાડતા નજરે પડતા નરસિંહ મહેતાના એક એક પદને દુનિયા સમક્ષ મુકીને આ સંશોધન કેન્દ્ર દ્વારા સંશોધન કરાશે અને ભારતની સાંસ્કૃતિક ધરોહરોને પણ વિશ્વ સમક્ષ મુકાશે. તેઓએ ઋષિ વાલ્મીકી. સંત તુલસીદાસ, ઉપનિષદ, ગીતા વિગેરેનો ઉલ્લેખ કર્યો હતો.

નરસિંહ વંદના રૂપે ‘વૈષ્ણવજન’ ગાનથી શરુ થયેલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન તથા સંશોધન કેન્દ્ર વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના મહામાત્ર ડો.જયેન્દ્રસિંહ જાદવે આપી હતી. કાર્યક્રમમાં જુનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ભાજપ અગ્રણી યોગીભાઈ પઢીયાર, શિક્ષણવિદ જી. પી. કાઠી, યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.ડી.એચ.સુખડીયા સહિતના આગેવાનો અને શિક્ષણવિદો હાજર રહ્યા હતા. અંતમાં આભારદર્શન યુનિવર્સિટીના કોમર્સ ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રો.(ડો.)ભાવસિંહ ડોડીયાએ કર્યું હતું. કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન ડો.નિયતિબેન અંતાણીએ કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code