
રાજસ્થાનમાં ટેન્કર-બસ વચ્ચે ટક્કર બાદ વિકરાળ આગ લાગી, 12નાં મોત, અનેક ઇજાગ્રસ્ત
- રાજસ્થાનના બાડમેર પાસે ગમખ્વાર અક્સ્માત
- ખાનગી બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર
- તેને કારણે આગ લાગતા 12 લોકોનાં મોત
નવી દિલ્હી: રાજસ્થાનના બાડમેર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીંયા એક ખાનગી બસ અને ટેન્કર ટ્રેલર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 12 લોકો જીવતા ભુંજાય જતા તેમના મોત થયા છે. ટેન્કર સાથે ટક્કર બાદ બસમાં આગ લાગી હતી અને મુસાફરોને બહાર નીકળવાની તક મળી ન હતી.
આ ગમખ્વાર અકસ્માતને કારણે હાઇવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી અને વિકરાળ આગ લાગતા લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. ઘટનાની જાણ થતા જ જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીમાં જોતરાયા હતા.
પ્રાથમિક તપાસ અનુસાર, રોંગ સાઇડથી આવી રહેલા ટેન્કરે સમેથી મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી હતી. બસમાં સવાર એક મુસાફર અનુસાર આ બસ બાલોત્રાથી નીકળી હતી. દરમિયાન રોંગ સાઇડમાં ટેન્કરે બસને ટક્કર મારી હતી. અકસ્માત બાદ અચાનક જ આગ ફાટી નીકળી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મુસાફરો જીવતા ભૂંજાઇ ગયા હતા.
હાલમાં મળતી જાણકારી અનુસાર, રેસ્ક્યૂ ટીમે રેસ્ક્યૂ કરીને 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.