
- ભારતનું ટેન્શન વધારી રહ્યું છે ચીન
- ભારતીય સરહદ પાસે ચીન બનાવી રહ્યું છે એરપોર્ટ
- ચીન 30 એરપોર્ટ બનાવી રહ્યું છે
નવી દિલ્હી: ભારતની સીમાને અડીને ચીન છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે પરંતુ ગત વર્ષે ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર સર્જાયેલા તણાવ બાદ ચીને સુવિધાઓ ઉભી કરવાની ઝડપને પણ વધારી દીધી છે.
ચીન-ભારત વચ્ચે ચાલી રહેલી મંત્રણા વચ્ચે ચીને પોતાની સરહદની નજીકના ઘણા વિસ્તારોને રેલવે લાઇન વડે જોડી દીધા છે. તો બીજી તરફ એવા અહેવાલો પણ વહેતા થયા છે કે ભારત સાથે જોડાયેલા તિબેટ અને શિનજિયાંગ પ્રાંતમાં ચીન 30 એરપોર્ટ બનાવી રહ્યું છે. કેટલાક એરપોર્ટ બની ગયા છે અને કેટલાકનું કામ ચાલી રહ્યું છે.
ભારતની સરહદ નજીક જ આ એરપોર્ટ બનાવાયા છે. તે ઉપરાંત એક અહેવાલ અનુસાર ચીને તાજેતરમાં જ એક બુલેટ ટ્રેન પણ શરૂ કરી છે અને તે તિબેટને અરુણાચલ સીમા પાસે આવેલા ન્યિંગ ચી નામના શહેર સાથે જોડે છે.
ચીનના રેલવે અને રોડ રસ્તાઓનો વિકાસ કરવા પાછળના ઇરાદા એવા છે કે લશ્કરી તણાવના સમયમાં સરહદ સુધી સૈનિકો અને બીજા શસ્ત્ર સરંજામની હેરફેર ઝડપી ગતિએ કરી શકાય. ચીને તિબેટ અને શિનજિંયાગ પ્રાંત માટે 23 એર રુટ ખોલી દીધા છે.