
ચીનની વધુ એક અવળચંડાઇ, હવે ભારતની સરહદે 500 મોડેલ ગામડા બનાવવાનું શરૂ કર્યું
- ખંધા ચીનની વધુ એક ચાલ
- હવે ભારતની સરહદે 500 મોડેલ ગામડા બનાવી રહ્યું છે
- સાથોસાથ બંકરો પણ બનાવી રહ્યું છે
નવી દિલ્હી: પોતાની વિસ્તારવાદી નીતિ ઉપરાંત તાનાશાહી તેમજ સરહદ પર હંમેશા ઘૂસણખોરીની ચાલ ચલતુ ચીન વધુ એક સળી કરી રહ્યું છે. ચીને હવે ભારતની સરહદને અડીને અત્યારસુધીમાં 500 મોડેલ ગામ ઉભા કરી દીધા છે.
ચીન આ ગામડાઓની આડમાં બંકરો પણ બનાવી રહ્યું છે અને સાથોસાથ સરહદ સુધી રસ્તાઓ પણ બનાવી રહ્યું છે. બીજી તરફ સિક્કિમમાં ડોકલામ સરહદે ભારત અને ચીન બે વર્ષ પહેલા આમાને સામને આવી ગયા બાદ અહીંયા પણ દેશની સેના વચ્ચે તણાવ યથાવત્ છે.
જો કે ભારતીય સેના પણ ચીનની આ ચાલને નાકામ કરવા માટે ખડેપગે મોરચો માંડીને બેઠી છે. ચીને તિબેટ પાસે પોતાની માળખાકીય સુવિધાઓ વધારવાની શરૂ કરી છે અને તેના ભાગરૂપે મોડેલ ગામ ઉભા કરવા માંડ્યા છે.
અહીંયા તિબેટી મૂળના લોકોને વસાવવામાં આવી રહ્યા છે.કારણકે તેમની પાસે ઉંચાઈ પર લડવાની ક્ષમતા છે.જોકે તેની સામે અહીંયા ભારતીય સેનાએ બંકરો બનાવીને ચીનની હરકત પર નજર રાખવાનુ શરુ કરી દીધુ છે.
ભારતના બંકરો 16000 થી 20000 ફૂટની ઉંચાઈ છે.જ્યાં ઓક્સિજન લેવલ ઓછુ હોવાથી ભારતીય જવાનોને હવામાન સામે પણ લડવાનો વારો આવી રહ્યો છે.ચીનનો સામનો કરવા માટે ભારતે આટલી ઉંચાઈએ પણ બોફોર્સ તોપો તૈનાત કરી છે.