
લુધિયાણા કોર્ટ પરિસર બ્લાસ્ટ: ગુપ્તચર એજન્સીઓનો ચોંકાવનારો દાવો, બ્લાસ્ટ પાછળ પાક. સમર્થિત ખાલિસ્તાની જૂથોની સંડોવણી
- લુધિયાણા જીલ્લા અદાલતમાં થયેલા વિસ્ફોટ મામલે ગુપ્તચર એજન્સીનો ચોંકાવનારો ખુલાસો
- કોર્ટ સંકુલ બ્લાસ્ટમાં પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાની જૂથોનો હાથ
- આ વિસ્ફોટમાં 1નું મોત અને 6 લોકો ઘાયલ થયા હતા
નવી દિલ્હી: પંજાબની લુધિયાણા જીલ્લા અદાલતમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાન જૂથોની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે. ગુપ્તચર એજન્સીઓને માહિતી પ્રાપ્ત થઇ છે કે, આ વિસ્ફોટમાં પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ દ્વારા સમર્થિત ખાલિસ્તાની જૂથ સામેલ છે. પાક.ના હેન્ડલર્સ તેમના ગ્રાઉન્ડ વર્કર્સને પંજાબમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે સૂચના આપી રહ્યા હતા.
આપને જણાવી દઇએ કે લુધિયાણાના જીલ્લા કોર્ટ પરિસરમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ પછી પંજાબ સરકારે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક પત્રમાં પંજાબ સરકારને ઘટનાની વિગતો આપતાં વહેલી તકે રિપોર્ટ મોકલવા જણાવ્યું છે.
આ વિસ્ફોટ પાછળ એક સ્થાનિક ગેંગની પણ સંડોવણી હોઇ શકે છે. જેમને ખાલિસ્તાન ચળવળને પુનર્જીવિત કરવા માટે રાખવામાં આવ્યા હતા, તેમને પાક.ની ISIનું સમર્થન છે. સ્થાનિક પોલીસ સાથે ઇનપુટ શેર કર્યા છે અને જેઓ જમીન પર બહાર છે અથવા ફરાર છે તેમની યાદી કરવા માટે સમગ્ર રાજ્યમાં ઓપરેશન હાથ ધરાશે.
એક અધિકારીએ કહ્યું કે નવેમ્બરમાં પઠાણકોટ આર્મી કેન્ટના ગેટ પાસે થયેલો ગ્રેનેડ વિસ્ફોટ પણ સ્થાનિક ગુનેગારો દ્વારા કરવામાં આવેલો આતંકવાદી હુમલો હતો. તેમણે કહ્યું, આ વર્ષે પંજાબની નજીક 42 ડ્રોન જોવા મળ્યા હતા.