
દૂરસંચાર ક્ષેત્રે આવશે અનેક બદલાવ, જૂના કાયદા કરાશે નાબૂદ, જાણો મોદી સરકારની તૈયારી
- ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં થશે બદલાવ
- 100 વર્ષથી પણ જૂના કાયદા બદલવાની તૈયારીમાં સરકાર
- આગામી વર્ષે 5G લૉંન્ચ કરવાની પણ વિચારણા
નવી દિલ્હી: ટેલિકોમ્યુનિકેશન સેક્ટરને લઇને મોદી સરકાર હવે કેટલાક જૂના કાયદામાં બદલાવ માટે યોજના બનાવી રહી છે. સરકાર હવે કંપનીઓનું એકીકરણ કરવાની યોજના બનાવી રહી છે અને તેના વિસ્તરણ માટેની પણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહી છે.
દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકારની મહત્વકાંક્ષી યોજના વિશે જણાવ્યું હતું કે, સરકાર આ પ્રકારના વિકલ્પો તપાસી રહી છે કે કંપનીઓને બિઝનેસમાં સુવિધા પ્રાપ્ત થાય. સરકાર ફેબ્રુઆરી 2022 સુધી નવા નિયમ પ્રસ્તુત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.
વૈષ્ણવે ઉમેર્યું હતું કે, ટેલિકોમ હજુ પણ 1885માં બનાવવામાં આવેલા અધિનિયન દ્વારા શાસિત છે, પંરતુ ચીજ વસ્તુઓ નાટકીય ઢબે ખૂબ બદલાઇ ગઇ છે અને તેની સાથે જોડાયેલા રેગ્યુલેશન પણ 60-70 વર્ષ જૂના છે. જે સરકારને આ ક્ષેત્ર પર વિશેષ અધિકાર આપે છે. સરકાર આ નિયમોને સંપૂર્ણપણે બદલા માટે પ્રતિબદ્વ છે.
દૂરસંચાર ક્ષેત્ર માટે રાહત પેકેજની વકીલાત કરતા દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારતની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક સંપન્ન ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની આવશ્યકતા જણાઇ રહી છે. ચીન અને સાઉથ કોરિયા જેવા દેશો પહેલાંથી જ 5G નેટવર્કના ઉપયોગ કરી રહ્યાં છે. ભારતમાં પણ આગામી વર્ષે ઑક્ટોબર-ડિસેમ્બર સુધીમાં 5જી નેટવર્ક લૉંચ કરવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.