
સંસદની કેન્ટીનમાં સબ્સિડી ખતમ થયા બાદ ભોજન થયું મોંઘું, હવે આટલાની મળશે વેજ થાળી
- સંસદની કેન્ટીનમાં સબ્સિડી ખતમ થયા બાદ ભોજન થયું વધુ મોંઘુ
- હવે કેન્ટીનમાં શાકાહારી થાળી 100 રૂપિયામાં મળશે
- તે ઉપરાંત નોનવેજ બુફે 700 રૂપિયામાં મળશે
નવી દિલ્હી: સંસદની કેન્ટીનમાં મળતા ભોજન પર સાંસદોને મળતી સબ્સિડી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ખતમ કરી નાખી છે. આ સબ્સિડી ખતમ થઇ ગયા બાદ હવે સંસદની કેન્ટીનમાં મળતું ભોજન હવે પહેલાથી મોંઘું થઇ ગયું છે. હવે કેન્ટીનમાં શાકાહારી થાળી 100 રૂપિયામાં મળશે. પહેલા શાકાહારી થાળી 60 રૂપિયામાં મળતી હતી. તે ઉપરાંત નોનવેજ બુફે 700 રૂપિયામાં મળશે.
પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર, સંશોધિત નવા ભાવ અનુસાર સંસદની કેન્ટીનમાં ચા પહેલાની જેમ જ 5 રૂપિયામાં, કોફી 10 રૂપિયામાં અને લેમન ટી 14 રૂપિયામાં મળશે. શાકાહારી થાળી 100 રૂપિયામાં મળી શકે છે જે પહેલા 60 રૂપિયામાં મળતી હતી.
આ ઉપરાંત કેન્ટીનમાં હવે સૌથી સસ્તા ભાવે માત્ર રોટી જ મળશે. તેની કિંમત 3 રૂપિયા હશે. ચિકન બિરયાનીની કિંમત હવે વધીને 100 રૂપિયા થઈ જશે. ચિકન કરી 75 રૂપિયામાં મળશે. પ્લેન ડોસાનો ભાવ 30 રૂપિયા થઈ જશે. બીજી તરફ મટન બિરયાની 150 રૂપિયામાં મળશે. તેની સાથે જ હવે વેજ ભજીયાનો સ્વાદ 50 રૂપિયામાં માણી શકશો.
(સંકેત)