
- ઉત્તરાખંડના ચમોલી ખાતે ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ હાલ સંશોધન ચાલી રહ્યું છે
- ગ્લેશિયર તૂટ્યું કે હિમસ્ખલન થયું તે જાણવા DRDOના વૈજ્ઞાનિકો ચમોલી પહોંચ્યા
- આ સંસ્થા એવલાન્ચ એટલે કે હિમપ્રપાત અંગે અભ્યાસ કરે છે
નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલી ખાતે ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ હાલમાં તેની સઘન તપાસ થઇ રહી છે. ગ્લેશિયર તૂટ્યું, હિમસ્ખલન કે ભૂસ્ખલન થયું કે પછી કોઇ આંતરિક સરોવર તૂટ્યું તેની તપાસ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ઉપલબ્ધ તથ્યોના આધાર પર ઇન્સ્ટિટ્યૂટ આગામી થોડાક દિવસોમાં કોઇ અંતિમ નિષ્કર્ષ સુધી પહોંચી શકશે.
પ્રારંભિક તપાસના આધાર પર અનેક અટકળો લગાવવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે જાણવા માટે 5 વૈજ્ઞાનિકોની ટીમ રૈણી ગામ મોકલવામાં આવી છે. આ ટીમ રૈણી ગામમાંથી આંકડાઓ એકત્ર કરવા લાગી છે પરંતુ હજુ કોઇ પરિણામ મળ્યું નથી. આ સમગ્ર ઘટના પાછળ એક કે તેથી વધુ કારણો હોઇ શકે છે.
મોટા ભાગે શિયાળા દરમિયાન બરફ જામેલો હોય અને સખત હોય છે તેથી તેની તૂટવાની સંભાવના ઓછી હોય છે. જ્યારે ગરમી તેમજ ચોમાસા દરમિયના બરફ ઢીલો પડે છે ત્યારે આ પ્રકારની દુર્ઘટનાની આશંકા વધુ રહે છે. હાલ ગ્લેશિયર્સ પર સંશોધન ચાલી રહ્યું છે પરંતુ ઊંચા ગ્લેશિયર્સ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગ્લેશિયર અંગેની મોટા ભાગની સૂચના ઉપગ્રહો દ્વારા જે આંકડાઓ મળે તેનાથી જ હાંસલ થાય છે અને જમીની આંકડાઓની ભારે કમી વર્તાતી હોય છે. રવિવારની ઘટનાને લઈ ઉપગ્રહોની તસવીરોનું સંશોધન પણ ચાલુ છે. આ બધા વચ્ચે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની ચંદીગઢ સ્થિત સ્નો એન્ડ એવલાન્ચ સ્ટડી ઈસ્ટેબલિસમેન્ટ (SASE)ના વૈજ્ઞાનિકોની એક ટીમ ચમોલી પહોંચી છે. આ સંસ્થા એવલાન્ચ એટલે કે હિમપ્રપાત અંગે અભ્યાસ કરે છે અને સેના માટે કામ કરે છે.
(સંકેત)