ઓક્સિજન, બેડ, રસીની કિંમત જેવા અનેક મુદ્દાઓ પર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરશે
- દેશમાં કોરોનાની સ્થિતિને લઇને આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
- આ સુનાવણી દરમિયાન કેન્દ્ર ઓક્સિજન, વેક્સીન કિંમત સહિતના મુદ્દાઓ પર જવાબ દાખલ કરશે
- અગાઉ સુપ્રીમ કોર્ટે કોવિડ-19ની સ્થિતિને ઇમરજન્સી ગણાવી હતી
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે.
અગાઉ મંગળવારે સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશની પેનલે કેન્દ્ર પાસે અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી હતી. જેમાં રસીના ભાવના મુદ્દા પણ સામેલ હતા. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ તેમજ જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની પીઠે મામલામાં સુનાવણી હાથ ધરી હતી. શુક્રવારે થનારી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર ઓક્સિજન, બેડ, વેક્સિનના ભાવ સહિત કોરોના સંક્રમણ સાથે જોડાયેલા અનેક મામલાઓ અંગે જવાબ દાખલ કરી શકે છે.
અગાઉ થયેલી સુનાવણીમાં કોવિડ 19 મામલામાં અનિયંત્રિત પ્રસારને રાષ્ટ્રીય સંકટ ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે આવી સ્થિતિમાં મૂક દર્શક ન બની શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોવિડ મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવા પર તેમની સ્વત: સંજ્ઞાન સુનાવણીનો અર્થ હાઇકોર્ટ્સમાં કેસને દબાવવાનો નથી.
પીઠે ઉમેર્યુ હતું કે હાઇકોર્ટના કાર્યક્ષેત્રની અંદર મહામારીની સ્થિતિ પર નજર રાખવા માટે સારી સ્થિતિમાં છે અને સુપ્રીમ કોર્ટની પૂરક ભૂમિકા ભજવી રહ્યા છે. તથા તેમની દખલગીરી યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મનાશે.
સુપ્રીમ કોર્ટે અગાઉ દેશમાં વર્તમાન કોવિડ-19ની સ્થિતિનું અવલોકન કર્યું હતું અને કહ્યું હતું કે, ઓક્સિજનની માંગ તથા કોરોનાના દર્દીની સારવાર માટે જરૂરી દવાઓ સહિતના મુદ્દાઓ પર રાષ્ટ્રીય યોજના ઇચ્છે છે.
(સંકેત)