
- કેજરીવાલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ થયું
- સરકારે VAT 30 ટકાથી ઘટાડીને 19.4 ટકા કર્યો
નવી દિલ્હી: દિલ્હીની જનતા માટે ખુશખબર છે. દિલ્હીની જનતાને મોંઘવારીમાંથી રાહત આપવામાં આવી છે. કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લેતા વેટમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથે દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ કર્યું છે. પેટ્રોલ પર વેટ 30 ટકાથી ઘટાડીને 19.40 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે, દિલ્હીમાં પેટ્રોલની કિંમત વર્તમાન 103.97 રૂપિયાથી ઘટીને હવે 95.97 રૂપિયા થશે.
આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં દિલ્હી સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. અગાઉ અનેક રાજ્યો તેમજ રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડ્યા બાદ હવે દિલ્હીમાં પણ દિલ્હી સરકારે હવે પેટ્રોલ-ડીઝલ પરના વેટ પર કાપ મૂક્યો છે. અત્યારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 103.97 ના દરે વેચાય છે, જ્યારે નોઇડામાં પ્રતિ લિટર કિંમત 95.51 અને ગુરુગ્રામમાં 95.90 રૂપિયા છે.
અગાઉ દિવાળીના પર્વ દરમિયાન મોદી સરકારે લોકોને ભેટ આપતી વખતે એક્સાઇઝ ડ્યુટીમાં પાંચ અને દસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જેના કારણે ક્રૂડના ભાવમાં ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકાર બાદ NDA શાસિત રાજ્યોએ પણ પોતપાતાના રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ પરના વેટ પર કાપ મૂક્યો હતો.
ઓઇલ કંપનીઓએ પણ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) અનુસાર, 1 ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા.