
ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા, PM મોદીએ શુભેચ્છા પાઠવી
- ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળના CM તરીકેના શપથ ગ્રહણ કર્યા
- રાજ્યપાલ જગદીપ ધનખડેએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા
- પીએમ મોદીએ મમતા બેનર્જીને શુભેચ્છાઓ પાઠવી
કોલકાતા: પશ્વિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની ભવ્ય જીત બાદ આજે ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનખડેએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. પીએમ મોદીએ મમતા બેનર્જીને શુભેચ્છાઓ પાઠવી હતી.
મમતા બેનર્જી સૌથી વધુ સમય સુધી સત્તા પર રહેનાર મહિલા મુખ્યમંત્રીમાંથી એક છે. તેના સિવાય શીલા દિક્ષિત, જયલલિતા તેમજ માયાવતી પણ સૌથી વધુ સમય સુધી સત્તા પર રહી ચૂક્યા છે.
Congratulations to Mamata Didi on taking oath as West Bengal’s Chief Minister. @MamataOfficial
— Narendra Modi (@narendramodi) May 5, 2021
વર્ષ 2011માં મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં સીપીઆઈ(એમ)ના સતત 34 વર્ષના લાંબા શાસનનો ખાતમો કરીને સત્તા મેળવી હતી. રાજ્યના આઠમા અને પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. હાલની ચૂંટણીમાં પણ ભાજપ તરફથી આકરો પડકાર મળ્યા બાદ પણ મમતા બેનર્જી પોતાની સીએમ પદની ખુરશી બચાવવામાં સફળ રહ્યા.
નંદીગ્રામમાં હારનો સામનો કરવો પડ્યો
TMCની ભવ્ય જીત છતાં નંદીગ્રામમાં મમતા બેનર્જીને ભાજપના શુભેંદુ અધિકારી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શુવેન્દુએ તેમને 1956 મતથી હરાવ્યા હતા. શુવેન્દુ અધિકારીને 1,10,764 મત મળ્યા જ્યારે મમતા બેનર્જીને 1,08,808 મત મળ્યા.
નોંધનીય છે કે, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના પહેલા એવા મુખ્યમંત્રી બન્યા છે જેમણે વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ અગાઉ પશ્ચિમ બંગાળમાં જે પણ મુખ્યમંત્રી પોતાની સીટ બચાવી ન શક્યા તેમની પાર્ટીએ પણ રાજ્યની સત્તામાંથી બેદખલ થવું પડ્યું હતું.
32 વર્ષ બાદ હાર્યા ચૂંટણી
નંદીગ્રામની હાર મમતા બેનર્જીની રાજકીય કારકિર્દીની બીજી સૌથી મોટી હાર છે. વર્ષ 1989માં તેમણે લોકસભા ચૂંટણીમાં માલિની ભટ્ટાચાર્ય વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાની સીટ બદલી અને 1991થી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી દક્ષિણ કોલકાતા સીટથી સાંસદ તરીકે ચૂંટાી આવ્યા. દીદીએ 32 વર્ષ બાદ હારનો સામનો કરવો પડ્યો.
(સંકેત)