
- લોકસભા બાદ હવે OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ રાજ્યસભામાં થયું પસાર
- હવે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગની યાદી તૈયાર કરવાનો અધિકાર પ્રાપ્ત થશે
- અગાઉ લોકસભામાં આ બિલ સર્વાનુમતે પસાર કરાયું હતું
નવી દિલ્હી: લોકસભા બાદ હવે OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ રાજ્યસભામાં પણ પસાર થઇ ગયું છે. આ બિલ પાસ થતા જ હવે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગની યાદી તૈયાર કરવાનો અધિકાર પ્રાપ્ત થશે.
અગાઉ લોકસભામાં OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ કોઇપણ પ્રકારના વિરોધ કે હોબાળા વગર પાસ થઇ ગયું હતું. લોકસભામાં આ બિલના સમર્થનમાં 385 સભ્યોએ મત આપ્યો હતો. કોઇ સભ્યોએ OBC અનામત માટે બંધારણા સુધારણા બિલનો વિરોધ કર્યો નથી. લોકસભામાં આ બિલ સર્વાનુમતે પસાર કરાયું હતું.
આ વર્ષે 5 મેના રોજ સુપ્રીમ કોર્ટે, મરાઠા અનામતને લગતા કેસ પર સમીક્ષા કરવાની અરજીની સુનાવણી કરવાની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 102 માં બંધારણીય સુધારા બાદ માત્ર કેન્દ્રને જ OBC યાદી જાહેર કરવાનો અધિકાર છે. રાજ્યોને નહી.
બિલમાં આ જોગવાઇ
આ OBC અનામત માટેના સુધારા બિલમાં એવી જોગવાઇ છે કે રાજ્ય સરકારો OBCની યાદી તૈયાર કરશે. એટલે કે હવે રાજ્યોને OBCમાં કોઇપણ જ્ઞાતિનો સમાવેશ કરવા માટે કેન્દ્ર પર આધાર રાખવો પડશે નહીં. અર્થાત્ હવે રાજ્ય સરકારો તેમના OBC સમુદાયમાં કોઇપણ જાતિનો સમાવેશ કરી શકશે.