- આજે રાજનીતિના ચાણક્ય અમિત શાહનો જન્મદિવસ
- પીએમ મોદીએ જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી
- પીએમ મોદીએ તેમના ભાજપ અને સરકારમાં યોગદાનની પ્રશંસા કરી હતી
નવી દિલ્હી: આજે રાજનીતિના ચાણક્ય એવા ભાજપના અમિત શાહનો 57નો જન્મદિવસ છે. રાજનીતિમાં પણ રણનીતિ બનાવીને રાજકીય સફરમાં વિરોધીઓની બોલતી બંધ કરવામાં માહિર એવા અમિત શાહના જન્મદિવસ પર પીએમ મોદીએ તેમના ભાજપ અને સરકારમાં યોગદાનની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર ટ્વિટ કરી હતી કે, “અમિત શાહને જન્મદિવસની શુભેચ્છાઓ. અમે બંનેએ વર્ષો સુધી એકબીજા સાથે કામ કર્યું છે અને પાર્ટી તેમજ સરકારને મજબૂત બનાવવા માટેના તેમના ઉમદા યોગદાનના અમે સાક્ષી રહ્યાં છીએ. તેઓ આ જ ઉત્સાહ અને જુસ્સા સાથે રાષ્ટ્રસેવા કરતા રહે અને તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના.”
વર્ષ 1964માં ગુજરાતમાં જન્મેલા અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટવર્તી માનવામાં આવે છે. વર્ષ 2014માં ભાજપના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર ગ્રહણ કરતા પહેલા તેઓ ગુજરાતમાં તેમની સરકારમાં ફરજ બજાવી ચૂક્યા છે.
નોંધનીય છે કે, 1983માં અમિત શાહે પોતાના રાજનીતિક જીવનની શરૂઆત આરએસએસ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા તરીકે કરી હતી. 1986માં તેઓ બીજેપીમાં સામેલ થયા હતા અને તેના આગામી વર્ષમાં જ બીજેપીની યુવા શાખા ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના કાર્યકર્તા બની ગયા. તેમણે 1991માં લોકસભા ઈલેક્શન દરમિયાન અને બાદમાં 1996માં અટલ બિહારી વાજયેપી માટે ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી માટે પ્રચાર કર્યો હતો.