
- દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની જાહેર પરિવહન પર અસર
- મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ઑટો તેમજ ટેક્સીઓના ભાડામાં વધારો
- ઓટોનું લઘુત્તમ ભાડું 18 રૂપિયાથી વધારીને 21 કરવામાં આવ્યું
મુંબઇ: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે તેની અસર જાહેર પરિવહનમાં પણ જોવા મળી રહી છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ઓટો તેમજ ટેક્સીઓમાં ભાડામાં વધારો થયો છે. ઓટો-ટેક્સીઓએ લઘુત્તમ ભાડામાં રૂ.3નો વધારો કર્યો છે. ઓટોનું લઘુત્તમ ભાડું 18 રૂપિયાથી વધારીને 21 કરવામાં આવ્યું છે. જ્યારે કાલી પીળી ટેક્સીનું ભાડું 22 રૂપિયાથી વધારીને 25 કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઇ, થાણે તેમજ નવી મુંબઇમાં ઓટો તેમજ ટેક્સી યુનિયને ભાડા વધારાને આવકાર્યું છે. ઑટો ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી ત્રસ્ત છે કારણ કે બળતણ, જાળવણી, વીમાના ખર્ચમાં વધારો થયો હોવા છતાં એક પૈસો વધારવામાં આવ્યો નથી. હવે પાંચ વર્ષ પછી જો ભાડું વધારવામાં આવશે તો તે લોકોને થોડો ફાયદો થશે.
ઘણા ડ્રાઇવરોએ વધેલા ભાડા અંગે ખુશી વ્યક્ત કરી કારણ કે તેઓએ કોવિડ મહિનામાં – એક એપ્રિલથી જૂન સુધીમાં એક પણ રૂપિયાની કમાણી કરી નથી. ઘણા દેવામાં ડૂબી ગયા છે. હવે તેઓ વધતા ભાડાથી થોડી આવકની અપેક્ષા રાખે છે. જો કે વધેલા ભાવોની અસર સામાન્ય લોકો પર પડશે.
મુંબઈમાં ઇંધણના દરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના દરમાં સતત બીજા દિવસે વધારો થયો છે. શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા કરતા 3 રૂપિયા જ ઓછો છે. પેટ્રોલ લિટરદીઠ 97 રૂપિયા પર પહોંચી ગયું છે. ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ. 88.06 છે.
(સંકેત)