
- હવે પારંપરિક રીતથી નહીં થાય વસતી ગણતરી
- હવે ડિજીટલ માધ્યમથી થશે વસતી ગણતરી
- તે માટે આ વખતે બજેટમાં 3750 કરોડની ફાળવણી કરાઇ
નવી દિલ્હી: અત્યારસુધી દેશમાં વસતી ગણતરી પરંપરાગત રીતે એટલે કે દેશના દરેક રાજ્યોમાં ઘરે ઘરે જઇને થઇ હતી પરંતુ હવે જ્યારે સમગ્ર વિશ્વ ડિજીટલ માર્ગ તરફ દોટ લગાવી રહ્યું છે ત્યારે હવે વસતી ગણતરી પણ તેમાંથી બાકાત નહીં રહે. આ વખતે બજેટ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે હવે દેશમાં ડિજીટલ રીતે વસતી ગણતરી થશે. જે એક ઐતિહાસિક પગલું ગણાશે.
આ ડિજીટલ વસતી ગણતરી માટે બજેટમાં 3750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પ્રથમવાર જનગણના માટે પારંપરિક કાગળ પેનની જગ્યાએ આ વખતે વસતી ગણતરી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા થશે.
ભારતમાં થનારી વસ્તી ગણતરી દુનિયામાં સૌથી વધારે ડેટા એક્સરસાઈઝવાળી હશે. વસ્તી ગણતરીમાં ન માત્ર લોકોની ગણતરી કરવામાં આવશે પરંતુ લોકોના સામાજીક આર્થિક ડેટા પણ એકઠો કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગત વર્ષે રાજધાની દિલ્હીમાં જનગણના ભવનની આધારશિલા રાખતા દરમિયાન કહ્યું હતું કે ડિઝિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2021ની વસ્તી ગણતરી મોબાઈલ એપના માધ્યમથી કરવામાં આવશે. આ મોબાઈલ એપમાં ડિઝિટલ સ્વરૂપે આંકડા ઉપલબ્ધ હશે.
એન્ડ્રોઇડ ફોનથી થશે ડેટા કલેક્શન
ડિજીટલ વસતી ગણતરી માટે 31 લાખથી વધારે ટ્રેઇની કર્મચારીઓ લગાવવામાં આવશે. આ દરમિયાન દેશભરમાં લોકોના ડેટા કલેક્શન એન્ડ્રોઇડ બેઝ્ડ સ્માર્ટફોન દ્વારા એકત્ર કરવામાં આવશે. વસતી ગણતરીમાં જનસંખ્યા, તેમાં મહિલા-પુરુષનું પ્રમાણ, જાતિ, શિક્ષણનું સ્તર, ઉંમર, જન્મ-મૃત્યુ, લોકોના ઘોની સ્થિતિ (મકાન કાચુ છે કે પાકું), માઇગ્રેશન, વ્યવસાય વગેરે વિશે પુછવામાં આવશે.
વસ્તી ગણતરી સંબંધિત ડેટા વર્ષ 2024-25માં ઉપલબ્ધ થઈ શકશે. પહેલીવાર થનારી આ ડિઝિટલ વસ્તી ગણતરીમાં મોબાઈલ એપના માધ્યમથી 16 ભાષાઓમાં જાણકારી આપવામાં આવશે અને વેરિફિકેશન કરવામાં આવશે.
(સંકેત)