
- દેશમાં કોરોના વેક્સિનેશનને લઇને યોજાઇ પત્રકાર પરિષદ
- જુલાઇથી દરરોજ 1 કરોડ લોકોને રસી અપાશે: ICMR
- ડિસેમ્બર સુધીમાં તમામ વસ્તીનું રસીકરણ કરાશે
નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશનની પ્રગતિને લઇને યોજાયેલી પત્રકાર પરિષદમાં ICMRના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ ડોઝ લગાવવાના શેડ્યૂલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના માત્ર બે ડોઝ હશે. કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપ્યા બાદ 12 સપ્તાહ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. આ જ શેડ્યૂલ કોવેક્સિન પર પણ લાગૂ થાય છે.
વેક્સિન અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, જુલાઇના મધ્ય કે ઑગસ્ટ સુધી આપણી પાસે દરરોજ 1 કરોડ લોકોને રસી લગાવવા માટે પર્યાપ્ત ડોઝ હશે. અમને ડિસેમ્બર સુધીમાં તમામ વસ્તીના રસીકરણનો વિશ્વાસ છે તેવો પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે.
દેશમાં અત્યાર સુધી કુલ 21.60 કરોડ વેક્સિનના ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. તેમાં આરોગ્ય કર્મીઓને 1.67 કરોડ ડોઝ, ફ્રંટલાઇન વોરિયર્સને 2.42 કરોડ ડોઝ, 45+ઉંમર વર્ગના લોકોને 15.48 કરોડ જ્યારે 18-44 ઉંમરના લોકો માટે 2.03 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જે પોઝિટિવ ટ્રેન્ડ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,27,000 કેસ સામે આવ્યા છે. 28 મેથી નવા કેસ બે લાખની નીચે રહ્યાં છે..
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,27,510 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો2,81,75,044 પર પહોંચી ગયો છે. જેમાંથી 18,95,520 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,55,287 કોરોના દર્દીઓ સાજા થયા છે.