1. Home
  2. revoinews
  3. ભારતીય વિચારમંચ દ્વારા ભારતની વૈશ્વિક ભૂમિકા વિશે રાષ્ટ્રીય સંમેલન યોજાયું
ભારતીય વિચારમંચ દ્વારા ભારતની વૈશ્વિક ભૂમિકા વિશે રાષ્ટ્રીય સંમેલન યોજાયું

ભારતીય વિચારમંચ દ્વારા ભારતની વૈશ્વિક ભૂમિકા વિશે રાષ્ટ્રીય સંમેલન યોજાયું

0
Social Share

[અલકેશ પટેલ] અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: Bhartiya Vichar Manch પ્રાચીન કાળમાં કોઈપણ વિષય ઉપર ભારતમાં સંશોધન – લેખન થયું ન હોય એવું નથી. વેદોમાં આપેલા જ્ઞાનનો આપણા પૂર્વજોએ યોગ્ય ઉપયોગ કરીને તમામ વિધામાં સચોટ સિદ્ધાંત આપ્યા છે તેમ શહેરમાં આજે આયોજિત એક રાષ્ટ્રીય સેમિનારમાં તમામ વક્તાઓએ ભારપૂર્વક જણાવીને તેને પુરાવા સાથે પ્રતિપાદિત કર્યું હતું.

આ વિદ્વાન વક્તાઓ ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત “ભારતની વૈશ્વિક ભૂમિકા: કાલ, આજ અને આવતીકાલ” વિષય પર રાષ્ટ્રીય સંમેલનમાં બોલી રહ્યા હતા. આવા મહત્ત્વના વિષય ઉપર સેમિનારનું આયોજન અટલ–કલામ રિસર્ચ પાર્ક, ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. સર્વશ્રી ઈન્દુમતીબેન કાટદરે, ડૉ. નીરજા ગુપ્તા, સુનિલ મહેતા, જે. નંદકુમાર, મેજર જનરલ (નિવૃત્ત) ડૉ. એસ.બી. અસ્થાના જેવાં વિદ્વાન મહાનુભાવોએ ઉપસ્થિત સેંકડો લોકોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે દેશના વિવિધ ક્ષેત્રોના વિદ્વાનો, સંશોધકો અને પ્રબુદ્ધજનોએ ઉપસ્થિત રહી ભારતના વૈશ્વિક દૃષ્ટિકોણ પર વિચારમંથન કર્યું.

National seminar on India's Global Role Organized
National seminar on India’s Global Role Organized

સંગોષ્ઠિની શરૂઆતમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા દ્વારા પ્રસ્તાવના રજૂ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ભારતનો મૂળભૂત વિચાર “રાષ્ટ્રને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવી વિશ્વના કલ્યાણ તરફ આગળ વધવાનો” છે. ભારત માત્ર એક દેશ નહીં પરંતુ વિશ્વને દિશા આપતી વિચારધારા છે, તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે પ્રશાંત પોળ લિખિત “ઈન્ડિયાથી ભારત પ્રવાસ” તથા જે. નંદકુમાર લિખિત “નેશનલ સેલ્ફહૂડ ઇન સાયન્સ” પુસ્તકોનું લોકાર્પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતા તથા પુનરુત્થાન વિદ્યાપીઠના કુલાધિપતિ સુશ્રી ઈંદુમતીબેન કાટદરે દ્વારા કરવામાં આવ્યું.

ત્યારબાદ સુનિલભાઈ મહેતાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે ભારત વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને સમાજવ્યવસ્થા, ધર્મની અવધારણા, જ્ઞાન પરંપરા તથા પરિવાર પ્રણાલી જેવાં ક્ષેત્રોમાં ભારત અદ્વિતીય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે “ધર્મ” અને “રિલિજન” સમાન નથી અને ભારતનો મૂળ સ્વભાવ માનવતાવાદી છે, જેના કારણે ભારત વિશ્વગુરૂ બનશે તો દુનિયાને તેમાં વાંધો નહીં આવે.

પુનરુત્થાન વિદ્યાપીઠના કુલાધિપતિ સુશ્રી ઈંદુમતીબેન કાટદરેએ બીજરૂપ વક્તવ્યમાં “ભારતીય અધ્યાત્મ – વૈશ્વિક શાંતિ અને માનવ કલ્યાણનો આધાર” વિષય પર વિચાર રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે ભારત જીતે તો કોઈ પરાજિત થતું નથી, પરંતુ વિશ્વ ઉન્નત બને છે. પશ્ચિમીકરણને આધુનિકતા માનવાની માનસિકતા ખોટી છે અને સાચો વિકાસ ત્યારે કહેવાય જ્યારે સુખ, સમૃદ્ધિ, જ્ઞાન, સંસ્કાર–સંસ્કૃતિ અને શાંતિ પાંચેય તત્વો સર્વસામાન્ય માટે ઉપલબ્ધ હોય. ભારતની ઓળખ આધ્યાત્મિક દેશ તરીકે છે, તેવું તેમણે ઉમેર્યું.

મેજર જનરલ ડૉ. એસ.બી. અસ્થાનાએ “ભારતની રક્ષા નીતિ : ક્ષેત્રીય સુરક્ષાથી વૈશ્વિક સ્થિરતા સુધી” વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમણે ભારતની ભૌગોલિક સુરક્ષા દૃષ્ટિ, સૈનિક ક્ષમતા, હાર્ડ પાવર–સોફ્ટ પાવર–સ્માર્ટ પાવર જેવા મુદ્દાઓનું વિસ્તૃત વિશ્લેષણ રજૂ કર્યું. ભારતના ભૂતકાળ અને વર્તમાન યુદ્ધો, કૂટનીતિ અને પાકિસ્તાન, ચીન તથા અમેરિકા સહિતના દેશો સાથેના સંબંધોના પરિપ્રેક્ષ્યમાં ભારતની વ્યૂહરચના વિશે પણ તેમણે માર્ગદર્શન આપ્યું.

ત્યારબાદ જ્ઞાન, શક્તિ અને ટેકનોલોજી : ભારતનું વૈશ્વિક મોડલ વિષય પર વિખ્યાત બેસ્ટસેલર લેખક પ્રશાંત પોલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, જે અનેક શોધ અને સંશોધન પશ્ચિમી સંશોધકોના નામે ચડી ગયાં છે તેનાં વર્ણન વાસ્તવમાં સદીઓ પહેલાં રાજા ભોજ લિખિત સમરાંગણ સૂત્રધાર પુસ્તકમાં મળે છે.

ભારત સેન્ટ્રીક કરિક્યુલમ : ઔપનિવેશિક જ્ઞાનથી મુક્તિની દિશા વિષય પર બોલતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સુશ્રી ડૉ. નીરજા ગુપ્તાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, ભારતીય જ્ઞાન પરંપરા વિશે શા માટે આપણે 70 વર્ષ સુધી રાહ જોવી પડી. છેક હવે નેશનલ એજ્યુકેશન પૉલિસી આવી ત્યારે ભારતીય જ્ઞાન વિશે અભ્યાસની તક ઊભી થઈ છે, પરંતુ તેમાં પણ કેટલાક શિક્ષકો અને કેટલાક વિદ્યાર્થીઓ પ્રામાણિકતા રાખવાને બદલે ટૂંકા રસ્તા અપનાવવાનું પસંદ કરે છે.

અંતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય જે. નંદકુમાર દ્વારા સભ્યતાથી રણનીતિ સુધી ભારતીય વિચાર અને વૈશ્વિક શક્તિની સંરચના વિષય પર સમાપન ભાષણ થયું. તેમણે પણ ભારતીય શાસ્ત્રોમાં રહેલા ભારતીય વિચાર કેવી રીતે વેશ્વિક શક્તિની સંરચના બની શકે તેમ છે તે ઉદાહરણો સાથે સમજાવ્યું હતું. આ રાષ્ટ્રીય સંમેલને ભારતની વૈશ્વિક ભૂમિકા, સાંસ્કૃતિક શક્તિ, આધ્યાત્મિક મૂલ્યો અને સુરક્ષા દૃષ્ટિકોણ અંગે સકારાત્મક ચર્ચા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ સંગોષ્ઠિમાં કુલ મળીને 100 થી વધુ મહિલા સહભાગીઓ, 110થી વધુ ડૉક્ટરેટ થયેલા અને રિસર્ચ સ્કોલર સહભાગી થયા હતા, સાથે જ ગુજરાતના પ્રત્યેક જિલ્લા ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોથી પ્રબુદ્ધજનો આવ્યા અને ચર્ચા વાર્તાલાપ કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code